ન્યુ દિલ્હી,તા.૧૦
ભાજપએ આક્ષેપ કર્યો હતો કે કાંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વડરાની સાથે સંબંધ ધરાવનારા લોકોની તપાસ કરતી ઍજન્સીઓને કાંગ્રેસ ધમકી આપે છે. ભારતીય જનતા પક્ષે જણાવ્યું હતું કે અમારી સરકાર કોઇપણ વ્યક્તિના પરિવારનું બૅકગ્રાઉન્ડ તપાસ્યા વિના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે પગલાં લેવાનું ચાલુ રાખશે.
ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર સામે જારદાર લડત આપી રહ્યા છે અને તેમણે આ સંબંધમાં જનતાને આપેલું વચન પૂરું કરી બતાવ્યું છે. શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે કાંગ્રેસ અને તેના નેતાઓ તપાસ ઍજન્સીઓને અપશબ્દો કહી રહ્યા છે અને તેને ધમકી આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કાંગ્રેસના નેતાઓ કહે છે કે ‘રાજકીય મોસમ’ બદલાઇ રહી છે, પરંતુ ખરેખર તો દેશ બદલાઇ રહ્યો છે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોની સામે પગલાં લેવા જ જાઇએ.
તેમણે દાવો કર્યો હતો કે કાંગ્રેસ હવે ક્યારેય સત્તા પર પાછો નહિ આવે અને ભાજપ ત્રણ રાજ્ય – મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર રચશે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાંગ્રેસની તો ભ્રષ્ટાચાર કરવાની ‘આદત’ બની ગઇ છે અને તપાસ ઍજન્સીઓ જ્યારે તેની સામે પગલાં લે ત્યારે તેઓની ટીકા કરવાનું અને ધમકી આપવાનું શરૂ કરે છે. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે તપાસ ઍજન્સીઓને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા પૂરી છૂટ આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




