દેશના લોકો બેહાલ, વિદેશીઓનું હિત જાળવતી રૂપાણી સરકારનું વધુ એક જમીન કૌભાંડ!?

0
14

તા.૧૦
ભાજપ સરકારનું ફરી એક જમીન કૌભાંડ રૂપાણીએ મંજૂર કર્યું છે. રાજુલા તાલુકામાં આવેલી GHCL કંપનીની વાત ભાજપ સરકારે સાંભળી છે, પણ આસપાસના ૧૯ ગામના લોકોની વાત સાંભળી નથી. રાજુલા તાલુકાના ભેરાઈ,પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, પટાવા ગામની ૧૦ હજાર એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો ભરી રાખીને GHCL કંપની હજારો ટન મીઠાનું ઉત્પાદ કરે છે. તેના કારણે આજુબાજુના તમામ ગામોના તળનાં પાણી ખારા થઈ ગયા છે, તેથી ખેડૂતોના ખેતરો ખરાબ થઈ રહ્યાં છે. GHCL કંપનીએ રાજકીય નેતાઓના સ્વયંસંચાલિત સાધનોનો ઉપયોગ કરીને ૧૦ હજાર લોકોની રોજગારી છીનવી લીધી હોવાના આરોપ સાથે ૧૯ ગામના લોકોએ આંદોલન કર્યું હતું. અગરીયાઓને રોજગારી મેળવવા માટે છેક ભરૂચ, દહેજ તેમજ કચ્છના વિસ્તારોમાં જવું પડે છે. GHCL કંપનીને શરતભંગની નોટીસ પણ આપેલી હતી. નોટીસો આપ્યા બાદ રૂપાણી સરકારે શોદાબાજી કરીને ભીનું સંકેલી લીધું છે.
GHCL કંપનીની લીઝ ૨૦૧૩માં પૂરી થઈ ગઈ હતી. સરકારના અધિકારીઓએ ૨૦૧૮ સુધી અટકાવી રાખી હતી. ૨૦૧૮માં GHCL કંપનીની સામે ગેરરીતિ અને દબાણોની ફરિયાદ સાથે આંદોલન કર્યું હોવા છતાં લીઝ રદ કરવાના બદલે ફરીથી ૩૦ વર્ષના ભાડાપટ્ટે લીઝ રીન્યુ કરી આપવામાં આવી છે.
૧૦૦ રૂપિયાની વીજ ચોરી કરનાર ખેડૂતને ૬ મહીનાની જેલ કરે છે. પણ GHCL દ્વારા કાયદાનો મોટો ભંગ કર્યો હોવા છતાં તેમને સજા કરવાના બદલે સરપાવ આપી દેવામાં આવ્યો છે. જેમાં ભાજપના નેતાઓની ભાગીદારી છે. ૩૦ વર્ષ માટે મોટી જમીન આપી દેવાનું મોટું કૌભાંડ થયું છે. લીઝ રીન્યુ પ્રકરણની તપાસ કરવામાં માંગણી કરી છે.
અમરેલીના રાજુલા-ઝાફરાબાદના પીપાવાવ ધામ ગામ સહિતના ૧૫-૧૯ ગામના લોકો દ્વારા ‘દરિયાકાંઠો બચાવો’ના નારા સાથે અહિંસક આંદોલન ૬૦ દિવસથી ચાલી રહ્યું છે. તેમ છતાં ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા તેમના માટે કોઈ ઉકેલ ન લાવતા હવે વધારે આક્રમક રીતે આંદોલન કરવાનું નક્કી કરાયું છે. જા ઉકેલ નહીં આવે તો લાઠીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જાહેર કાર્યક્રમ છે ત્યાં આંદોલનકારીઓ જઈને રૂપાણી સામે કાળા વાવટા બતાવીને દેખાવ કરશે.
કાંઠાની અતિ કિંમતી જમીન પર ગુજરાત હેવી કેમીકલ્સ લી. (GHCL) કંપની અને ખાનગી ભૂમાફીયાઓ દ્વારા થયેલા જમીન દબાણને દૂર કરવાની માગ સાથે ૫,૦૦૦ લોકોએ આંદોલન કર્યું હતું. શ્રમજીવી અગરીયાઓ અહીં પહેલાં મીઠું પકવતાં હતા હવે કંપની આવી જતાં તેમની રોજગારી જતી રહી છે. અહીં દરિયાઈ જીવ ઝીંગાનું ઉત્પાદન થાય છે. અમરેલી કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. દરિયાકાંઠો બચાવો આંદોલનને સામાજિક અને રાજકીય આગેવાનો ટેકો આપી રહ્યાં છે. અગાઉ ગામના લોકોએ પીપાવાવ ધામ ગ્રામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો પણ ભ્રષ્ટાચારમાં આળોટતાં અધિકારીઓ પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી. રાજુલાનાં દરિયાકાંઠે આવેલા ગામો જેવા કે, વીકટર, પીપાવાવ ધામ, નિંગાળા, કઠીવદર, ચાંચ, ખેરા, પટાવાનાં અનેક ગામનાં શ્રમજીવી લોકો જે મીઠાનાં અગરમાં કામ કરીને રોજી-રોટી મેળવતાં હતા. પરંતુ અહીં મહાકાય GHCL કંપની કાર્યરત થતાં જ અહીંનાં લોકોની હાલત ખરાબ થઈ છે.
૨૯ એપ્રિલ ૨૦૧૮થી ઉપવાસ આંદોલન કર્યું હતું. ઉપવાસ આંદોલનને રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, મનુભાઈ ચાવડા, જન અધિકાર મંચના પ્રવિણ રામ, જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, મહુવાના પૂર્વ ધારાસભ્ય અને નિરમા તથા ભાજપ સામે લડત ચલાવનાર સફળ સામાજિક નેતા કનુભાઈ કળસરીયા, જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મર સહિતનાં અનેક આગેવાનોએ આંદોલનકારીઓની મુલાકાતલીધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ગામ લોકોએ રજૂઆત કરી હોવા છતાં તેમની વાત ભાજપ સરકારે કાને ધરી નથી.
હવે આ આગેવાનો એકાએક મૌન બની ગયા છે. ઝીંગા ફાર્મમાં મોટા રાજકીય માથા તથા સરકારી અધિકારીઓ સંકળાયેલા છે. સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની જવાબદારી મહેસુલ વિભાગની હોય છે. જાફરાબાદનાં ભાકોદર ગામની સ્વાન કંપનીને હટાવવાની માગ સાથે ગામ લોકોએ રસ્તા રોકો આંદોલન, સત્યાગ્રહ, ઉપવાસ આંદોલન શરૂ કરેલું હતું. આંદોલન સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે જ કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY