જવાબ આપવા ત્રણ સપ્તાહનો સમય,વધુ સુનાવણી ૭ માર્ચે
ન્યુ દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે સિનિયર વકીલ પ્રશાંત ભૂષણને અનાદરની નોટિસ મોકલી છે. તેઓએ નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર બનાવવાની વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટસમાં તેઓએ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર ટિપ્પણી કરી હતી. આ નોટિસ કેન્દ્ર સરકાર અને એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી દાખલ કરવામાં આવેલી પિટિશન બાદ મોકલવામાં આવી છે. પ્રશાંત ભૂષણે આ નોટિસ સ્વીકારી લીધી છે અને જવાબ આપવા માટે ત્રણ સપ્તાહનો સમય માગ્યો છે. મામલાની સુનાવણી ૭ માર્ચે થશે.
પ્રશાંત ભૂષણે સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિને લઈને ટ્વિટ કર્યું હતું. ટ્વિટર પર તેઓએ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલા જવાબને મનફાવે તેવું કહ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે એજી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ મામલામાં એજી અને કેન્દ્ર સરકાર બંને સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ પિટિશન કરી હતી. આ પિટિશનમાં આરોપ લગાવવામાં આવ્યો કે ભૂષણ ખોટું નિવેદન કરી રહ્યા છે અને કોર્ટની છબિને નુકસાન પહોંચાડી રહ્યા છે. પોતાની પિટિશનમાં એટોર્ની જનરલે કહ્યું કે ભૂષણ તેમના મિત્ર છે અને તેઓ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી ઈચ્છતા, જ્યારે કેન્દ્ર સરકારે ભૂષણની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી.
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોર્ટમાં પેન્ડિંગ મામલા પર મીડિયામાં રોજ કોઈને કોઈ નિવેદન આપવામાં આવી રહ્યા છે. જે સાચું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



