ચાર વર્ષમાં માછીમારોની ૫૭ બોટ છોડાવવામાં આવી, હજુ અનેક પાક.ના કબજામાં
ન્યુ દિલ્હી,તા.૭
સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનની કસ્ટડીમાં હજુ પણ ૫૦૩ ભારતીય માછીમારો છે. જ્યારે આ માછીમારો માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેઓ ભુલથી પાકિસ્તાનના સમુદ્રી વિસ્તારમાં જતા રહ્યા હતા જેને પગલે તેઓને પાકિસ્તાનના કોસ્ટગાર્ડે પકડી લીધા હતા અને તે બાદ જેલમાં કેદ કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની બોટને પણ જપ્ત કરી લેવામાં આવી છે જેને છોડાવવામાં નથી આવી.
વિદેશી બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન વી.કે.સિંહે લોકસભામાં લેખીતમાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલોમાંથી સરકારે અત્યાર સુધીમાં ૧૭૪૯ ભારતીય માછીમારોને છોડાવ્યા છે, જેમાં ૧૭૨૫ માછીમારોનો પણ સમાવેશ થાય છે. સાથે ૫૭ જેટલી જપ્ત કરેલી માછીમારોની બોટને પણ પરત મેળવી લેવામાં આવી છે. ગયા વર્ષે જ ૧૭૯ ભારતીયોને પાક.ની જેલમાંથી છોડાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીના પ્રાપ્ત આંકડા અનુસાર હજુ પણ ૫૦૩ ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાં કેદ છે.
પાકિસ્તાને પોતાની જેલોમાં કેદ ભારતીય માછીમારોની એક યાદી સરકારને સોપી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે અમારી જેલોમાં ભારતના ૪૮૩ નાગરીકો કેદ છે. જેમાં કેટલાક એવા પણ છે કે જેને ૨૦ મહિનાથી જેલોમાં કેદ રાખવામાં આવ્યા હોય. મંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારને ભારત સરકારે કહ્યું છે કે આ માછીમારો અને અન્ય ભારતીયોને વહેલી તકે પાકિસ્તાનની જેલોમાંથી છોડવામાં આવે. જ્યારે ગલ્ફ દેશોમાં આશરે ૪૭૦૫ ભારતીયો કેદ છે. જેમાં ભારતના મજૂરોનો પણ સમાવેશ થાય છે. જે લોકોએ પોતાની જેલ ટર્મ પુરી કરી લીધી હોય તેમ છતા વિદેશી જેલોમાં કેદ રાખવામાં આવ્યા હોય તેવા ભારતીયોની સંખ્યા ૪૩૪ છે જેમાંથી ૩૯૬ માત્ર પાકિસ્તાનમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



