ન્યુ દિલ્હી,તા.૧૯
લોકસભા ચૂંટણી માટે ગુરુવારે બીજા તબક્કા માટે ૧૧ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ માટે કુલ ૯૫ બેઠક માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચની કડકાઇ બાદ પણ રોકડ રકમ અને દારૂના ઉપયોગ કરીને કેટલાક અસામાજીક તત્વો ચૂંટણીને પ્રભાવિત કરવામાં સક્રિય રહ્યા હતા. બીજા તબક્કાના મતદાન દરમિયાન ૬૯૭ કરોડ રૂપિયાની રોકડ રકમ અને ૨૧૯ કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. આ સિવાય કુલ ૨,૬૩૨ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ પણ જપ્ત કરાઇ હતી.
ચૂંટણી પંચની એક ટીમે મુંબઇના સાયન વિસ્તારમાંથી ૧૧.૮૫ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. ૧૦મી માર્ચે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ હતી. મુંબઇ સિવાય તામિલનાડુના જુદા-જુદા વિસ્તારોમાં આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચે દરોડા પાડ્યા હતા. આ દરોડા મારફતે લગભગ ૧૩૫ કરોડની રોકડ રકમ જપ્ત કરાઇ હતી. આ સિવાય તામિલનાડૂના વેલ્લોર લોકસભા બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી. હકીકતમાં આ વિસ્તારમાં આવકવેરા વિભાગના દરોડામાં ૧૧ કરોડ રૂપિયાથી પણ વધુ રોકડ જપ્ત થઈ હતી. આ દરોડા ડ્ઢસ્દ્ભનેતાના સીમેન્ટ ગોડાઉન પાડવામાં આવ્યા હતા. ચૂંટણી પંચનું માનવું હતું કે આ રુપિયા મતદાતાઓના વોટ ખરીદવા માટે હતા.
આ સિવાય મતદારાને આકર્ષવા માટે અનેક જગ્યાઓએ દારૂ વેચવાની પણ તૈયારીઓ કરાઇ હતી. વિવિધ જગ્યાઓ પર ચૂંટણી પંચે દરોડા પાડી કુલ ૨૧૯ કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી કુલ ૪૦ કરોડથી વધુ રકમનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણામાંથી ૫૨ લાખ રૂપિયા અને પૂર્વ રાજસ્થાનમાંથી ૩૦ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



