વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પ્રશાંત કિશોરના હસ્તક્ષેપથી વિદ્યાર્થીઓ નારાજ : કર્યો પથ્થરમારો

0
35

પટણા,તા.૪
પટણા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની પાંચ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં જનતાદળ (યુ)ના નેતા પ્રશાંત કિશોરના હસ્તક્ષેપથી મોટો વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કુલપતિને મળવા પહોંચેલા પ્રશાંત કિશોરની કાર પર ગત રાતે પટણા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. પ્રશાંત કિશોર આ હુમલામાં માંડ માંડ બચ્યા હતા. વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે પ્રચાર-પ્રસારનું કામ ગઈ કાલે ૩ ડિસેમ્બરની સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઈ ગયું હતું. નિયમો અનુસાર યુનિવર્સિટી પરિસરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી.
આ દરમિયાન કોઈ રાજકીય પક્ષના કોઈ પણ નેતા યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશી શકે નહીં, પરંતુ આ તમામ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને પણ પ્રશાંત કિશોર સોમવારની સાંજે યુનિવર્સિટીના કુલપતિ રાસબિહારી સિંહને મળવા પહોંચી ગયા હતા.
પ્રશાંત કિશોર સામે પહેલેથી જ પટણા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેમને જાણ થઈ કે પ્રશાંત કિશોર કુલપતિને મળવા તેમના નિવાસસ્થાને ગયા છે કે તુરંત જ વિદ્યાર્થીઓએ પહેલા પ્રશાંત કિશોરની કાર અને ત્યારબાદ તેમના ઉપર હુમલો કર્યો હતો.
વિદ્યાર્થીઓએ તેમની કારના તમામ કાચ તોડી નાખ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી ગયેલી પોલીસની ભારે સમજાવટ છતાં પણ વિદ્યાર્થીઓ ત્યાંથી હટવા તૈયાર નહોતા. આખરે પોલીસે મહામુશ્કેલીથી પ્રશાંત કિશોરને વિદ્યાર્થીઓના ટોળામાંથી સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. હુમલા દરમિયાન વિદ્યાર્થીઓએ મુખ્યપ્રધાન નીતીશકુમાર અને પ્રશાંત કિશોર વિરુદ્ધમાં ભારે નારાબાજી પણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY