રાજપીપલા ખાતે સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની થયેલી ઉજવણી
વ્યક્તિગત-સામૂહિક-માળખાગત સુવિધાઓ-દાવાઓ મળીને ૯૦ હજાર આદિવાસીઓની કુલ- ૧૩ લાખ એકર જંગલની જમીનના અધિકારપત્રો એનાયત કરીને સમગ્ર દેશમાં કરાયેલી શ્રેષ્ઠ કામગીરી ,૧૯૬ જેટલા જંગલના ગામોને રેવન્યુ વિલેજનો દરજજો આપવાનો સરકારે નિર્ણય કર્યો છે

શિક્ષણ, કલા, સમાજસેવા સહિત વિવિધ ક્ષેત્રની આદિવાસી સમાજની તેજસ્વી પ્રતિમાઓને સન્માનપત્ર એનાયત કરી અભિવાદન કરાયું : યોજનાકીય લાભોની સાધન સહાય કિટ્સનું વિતરણ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજપીપળા માં નંદરાજાની પ્રતિમા પાસે યોજાયેલી જિલ્લાકક્ષાની ઉજવણીના કાર્યક્રમને ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, રાજપીપલા રાજવી પરિવારના મહારાણી રૂકમણીદેવી ગોહિલ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, રમણસિંહ રાઠોડ, ડૉ. દર્શનાબેન દેશમુખ, ભારતીબેન તડવી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સહિત જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ / અધિકારીઓ, આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી પ્રજાસમૂહની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજના તા. ૯ મી ઓગષ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી એ આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત હોવાનું જણાવતા કહ્યું હતું કે, આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો રહ્યો છે.
સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનું પહેલું ટ્રાયબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝીયમ ગુજરાતમાં ઉભુ કરવાની કરેલી જાહેરાત અન્વયે ગરૂડેશ્વર ખાતે બ્રિટીશ શાસન સામેની લડાઇમાં આદિવાસી સમાજના યોગદાન – બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્ર કક્ષાનું મ્યુઝીયમ ઉભું થઇ રહ્યું છે. જેમાં આદિવાસી વીરોના યોગદાનની સાથે સાથે સમાજની સંસ્કૃતિ, જીવન શૈલી-કલા પ્રદર્શિત કરાશે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના જિલ્લાઓના ૫૨ (બાવન) તાલુકાઓમાં ૯૦ લાખ એટલે કે રાજ્યની કુલ વસતીના ૧૫ ટકા વસતી ધરાવતો આદિવાસી સમાજ વસવાટ કરતો હોઇ, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂા. ૧૭ હજાર કરોડની ફાળવણી બાદ રૂા. ૪૦ હજાર કરોડ અને અત્યાર સુધીમાં રૂા. ૮૨ હજાર કરોડની ફાળવણી કરી આદિવાસી વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, રસ્તાઓ, પીવાના પાણી, ૨૪ કલાક વિજ સવલતો ઉભી કરાતાં ખરા અર્થમાં આજે આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસ જોવા મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે “પેસા કાયદો” અમલમાં મૂકીને ગૌણ વન પેદાશ – રેતી – પથ્થરની ખાણ – તળાવ માલિકી અને બજારોનો વહિવટ હવેથી આદિવાસી સમાજને મળવાનો છે.
આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, રાજવી પરિવારના મહારાણી રૂકમણીદેવી ગોહિલ, મહિલા અગ્રણી અને આદિવાસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. દર્શનાબેન દેશમુખ, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના ડિરેક્ટર ભારતીબેન તડવી વગેરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આદિવાસી સમાજે પ્રકૃતિના રક્ષણ સાથે વિવિધ ક્ષેત્રોમાં આપેલા મહામૂલા યોગદાનની ગૌરવગાથા વર્ણવી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ, ખેલમહાકુંભની તેજસ્વી પ્રતિભાઓ, પ્રગતિશીલ ખેડૂત-પશુપાલક, સમાજસેવા ક્ષેત્રેરે સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનાર-કર્મયોગીઓ વગેરેને સન્માનપત્ર એનાયત કરી તેમનું અભિવાદન કરાયું હતું. તદ્ઉપરાંત વિવિધ યોજના હેઠળ સાધન સહાયનું તેમજ ટીમરૂ પાનના નફાની વહેંચણીના રૂા.૭૪,૭૮૨/- ની રકમના ચેકોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર સુનીલભાઇ પટેલ, ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ડિરેક્ટર ભગદાનદાસ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. કે. શશીકુમાર અને પ્રતિક પંડ્યા, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા સહિત અન્ય પદાધિકારીઓ / અધિકારીઓ, દુર-સુદુરથી વિશાળ સંખ્યામાં પધારેલા આદિવાસી સમાજનાં આગેવાનો-લોકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વિશ્વ આદિવાસી ઉજવણીની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સમાજનો બહોળો વર્ગ આદિવાસી સંસ્કૃતિથી અવગત થાય અને દેશની આઝાદી માટે આદિવાસી સ્વાતંત્ર્યવીરોએ આપેલા યોગદાન વિશે જાણકારી મેળવે અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસ માટેની યોજનાઓથી અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો પરિચિત થાય તેવો હેતુ આ ઉજવણીનો રહેલો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




