વિશેષ સિદ્ધિ મેળવનાર આદિજાતિ વ્યક્તિવિશેષોને સન્માનિત કરાયા
આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે પ્રતિવર્ષ ૯મી ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા, એન.આર.રાઉત હાઇસ્કૂલ ખાતે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્પ અર્પણ સાથે દીપપ્રાગટય થકી કરવામાં આવ્યો હતો.
આ અવસરે ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસીઓના વિકાસમાટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દૂધસંજીવની યોજના થકી શાળાના બાળકોને પોષણક્ષમ આહાર આપવા, એકલવ્ય મૉડેલ સ્કૂલની સ્થાપના કરી આદિજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા, સમરસ હોસ્ટેલના નિર્માણ થકી ઓછા દરે રહેવાની આધુનિક સુવિધા આપી છે. પેસા એકટ સહિત અનેક કાયદાઓના અમલીકરણ થકી આદિજાતિના લોકો વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. ગુજરાતના વિકાસને સમગ્ર દેશના નાગરિકોએ સ્વીકાર્યો છે. તા.૨૩મી ઓગસ્ટે અસ્ટોલ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જુજવા ખાતે આવનાર છે, તેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્યશ્રી માધુભાઇ રાઉતે આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખી તેનું જતન કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકારના પ્રોત્સાહન થકી અહીંના આદિવાસીઓ ખેતીવાડી ક્ષેત્રે અગ્રેસર બની પગભર બન્યા છે.
જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઇ રાઉતે દેશના આદિવાસીઓએ કરેલા નોંધનીય કાર્યોની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. આદિવાસી પ્રકૃતિપૂજક છે. દેવી-દેવતાઓની પૂજા કરવી, વિવિધ ઉત્સવો અને તહેવારોની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી કરે છે.
પ્રાયોજના વહીવટદાર બી.સી.ચુડાસમાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આદિજાતિ વિકાસ માટે અમલી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. વંચિતોના વિકાસ માટે સતત કાર્યરત પ્રાયોજના કચેરી દ્વારા મળતા લાભો મેળવવામાં રહી ગયેલા લાભાર્થીઓને લાભ મળે તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ અવસરે ૧૦ કિ.મી.ની વિશ્વ દોડમાં હૈદરાબાદમાં પ્રથમ ક્રમાંક મેળવનાર કરજુનની તેજલબેન ભાવલુભાઇ ભોયા, ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર પારડીના અરવિંદભાઇ કાળુભાઇ વાઘેરા, અશ્વિનભાઇ રમણભાઇ મોર્યા અને યશવંતભાઇ શિવાલભાઇ પવાર, સોફટબોલ રાષ્ટ્રીય કક્ષાએ અન્ડર-૧૭ સ્પર્ધામાં ભાગ લેનાર મનોજભાઇ સંતોષભાઇ દળવી, ધોરણ ૧૦ની એસ.એસ.સી. બોર્ડની માર્ચ-૨૦૧૮માં જી.એસ.ઇ.ટી.એસ. ગાંધીનગર સંચાલિત તમામ શાળાઓમાં ૯૧.૬૬ ટકા સાથે આદિજાતિ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક મેળવનાર એકલવ્ય મોડેલ સ્કૂલ પારડીની પૂજાબેન રાજેષભાઇ પટેલ, ધોરણ ૧૦ની એસ.એસ.સી. બોર્ડની માર્ચ-૨૦૧૮ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ઇ.એમ.આર.એસ. કપરાડા, એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવનાર પારડી તાલુકાના સુખેશ ગામની હર્ષિતાબેન અરવિંદભાઇ પટેલ, થ્રોબોલ અન્ડર-૧૭માં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર કપરાડાના પરશુરામ દેવુભાઇ ગુટે, બાગાયત પાક તેમજ પશુપાલનમાં સફળતા મેળવનાર આમધાના મહિલા ખેડૂત મંજુલાબેન રામુભાઇ ગાંવિત, પશુપાલન ક્ષેત્રે સફળતા હાંસલ કરનાર કપરાડા તાલુકાના ખરેડી ગામના રાધાબેન પ્રભુભાઇ પટેલ અને કોઠાર ગામના હેતલબેન અનિલભાઇ પટેલનું સન્માન કરાયું હતું. જ્યારે વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા આજિવિકા વૃદ્ધિ અને વિકાસ માટે આ કપરાડા તાલુકાના આસલોણા ગામની હરીઓમ વન સહભાગી મંડળી તેમજ મધુબન ખાતેની સહભાગી વન વ્યવસ્થા મંડળીને રૂા. પાંચ-પાંચ લાખની સહાયના ચેક તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ન્યુ ગુજરાત પેર્ટન યોજના હેઠળ વારોલી તલાટના પરષોત્તમભાઇ લાછીયાભાઇ ખાંડા તેમજ જીરવલના રાધાબેન બાબજીભાઇ કુરકુટિયાને બેટરી ઓપરેટેડ પંપનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે આદિજાતિઓના વિકાસ યોજના અંગેની ઝાંખી દર્શાવતી સી.ડી.નું નિદર્શન કરાયું હતું. વિવિધ સમાજના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
નાનાપોંઢા હાઇસ્કૂલની બાળાઓએ પ્રાર્થના તેમજ બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલ ધરમપુરના વિદ્યાર્થીઓએ પરંપરાગત સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. આદિવાસીનૃત્ય, ગીત સંગીત, વાજિંત્રો વગેરેથી સમગ્ર કાર્યક્રમ રંગીન બનાવી દીધો હતો.
આભારવિધિ પ્રાયોજના વહીવટદારની કચેના મદદનીશ કમિશનર ડી.સી.ઠાકુરે કરી હતી.
આ અવસરે કપરાડા તેમજ પારડી તાલુકા પંચાયત પ્રમુખ, નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, અગ્રણી બાબુભાઇ વરઠા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર મહેશ પટેલ સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, આદિવાસી અગ્રણીઓ, કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી ભાઇ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




