લોટરી દ્વારા બે ભાગ્યશાળી મતદાતાઓની પસંદગી કરાશે,પેકેજ સાથે ગોવામાં હરવા-ફરવાનો ખર્ચ પણ પ્રશાસન ઉઠાવશે
રાંચી,તા.૨૮
લોકસભા ચૂંટણીમાં મતદાન અવશ્ય કરજા નહી તો ગોવા ટૂરથી વંચિત રહેશો. આ વખતની ચૂંટણીમાં મતદાન વધારવા માટે ચતરા જિલ્લા પ્રશાસને આ આકર્ષક ઓફર ખુલ્લી મૂકી છે. ચતરો જિલ્લો ઝારખંડનો મહત્વનો જિલ્લો છે, તથા તેની આ જાહેરાત પછી ભારતનો પહેલો જિલ્લો બની ગયો છે જેમાં મતદાતાઓને આકર્ષક કરવા માટે ગોવા ટૂરનો પ્લાન બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છ કે, આ ટૂરમાં ટ્રાવેલિંગ વિમાનમાં થશે.
ગોવા ટૂરની જાણકારી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, જિલ્લામાં મહત્તમ મતદાન કરાવવાના હેતુસર પ્રશાસને મતદાતાઓ માટે ગોવા ટૂરની ઓફર બહાર પાડી છે. માહિતી મુજબ મતદાન કરનાર લોકોમાંથી બે મતદારોની પસંદગી લોટરી દ્વારા કરવામાં આવશે. લોટરીની વિધિ ૨૯ એપ્રિલે મતદાન સંપૂર્ણ થયા પછી મેના પહેલા અઠવાડિયામાં યોજાશે અને ગોવા ટૂરની તારીખ એ પછી નક્કી થશે.
ગોવા ટૂરની ઓફર હેઠળ લોટરીમાં પસંદ કરાયેલ બે મતદાતાઓને અવર-જવર માટે એર ટિકિટ અપાશે, તેમજ ગોવાની હોટલમાં બે દિવસ અને ત્રણ રાત્રિનું પેકેજ મળશે. આ સિવાય ગોવામાં હરવા-ફરવા માટેનો સંપૂર્ણ ખર્ચ જિલ્લા પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવશે.
ગોવા ટૂરની જાહેરાત કરતા અધિકારીએ જિલ્લાની જનતાને પોત-પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




