યુથ ફોર ગુજરાત દ્વારા બાઈક રેલી યોજાઈ : સાંજે નાટક રજૂ થશે
સુરત, તા. ૧૯
શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ૩૮૯મી જન્મ જયંતી પર મંગળવારે યુથ ફોર ગુજરાત પ્રેરિત જય ભગવા ગ્રુપ ધ્વારા સતત પાંચમા વર્ષે ભવ્ય બાઈક રેલીનું અને પ્રથમ જ વખત શિવાજી મહારાજના જીવન પર આધારીત પોવાડા (નાટક) ‘મુદ્રા ભદ્રાય રાજતે’નું આયોજન કરવામા આવ્યું છે.
મંગળવારે સવારે ૧૦ વાગે લિંબાયત રતન ચોક ખાતે સાંઈબાબા મંદિરથી બાઈક રેલીનું પ્રસ્થાન થયું હતું. આ પહેલાં પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ તરીકે નવસારી સાંસદ સી.આર.પાટિલ અને અતિથિ વિશેષ પદે શહેર ભાજપા પ્રમુખ નિતિન ભજીયાવાલા અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ તથા શ્રી છત્રપતિ શિવાજી સ્મારક ફંડના પ્રમુખ જીજ્ઞેશ પાટિલ હાજર રહ્ના હતાં. બાઈક રેલીમાં ૫૦૦૦ બાઈકો સામેલ થઈ હતી. તેમજ અમર જવાન સ્મારક અને ભારત માતાની પ્રતિકૃતિ સાથે હતી. રેલી સાંઈબાબા મંદિરથી શરૂ થઈ સંગમ બેન્ડ સર્કલ, સંજય નગર સર્કલ, નિલગીરી સર્કલ થઈ ડિંડોલી વિસ્તારમાંથી પસાર થઈ નવાગામ શિવાજી ચોક ખાતે પૂર્ણ થઈ.
સાંજે ૭ વાગે લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ ખાતે કોલ્હાપુરના વિખ્યાત કલાકારો દ્વારા ‘મુદ્રા ભદ્રાય રાજતે’ ગાથા શિવશાહીની પોવાડા આધારિત નાટકનું રજૂ કરાશે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સંસ્થાઓ છત્રપતિ શિવાજી જયંતી નિમિત્તે શોભાયાત્રા અને રેલીઓ કાઢવામાં આવી હતી. સહરા દરવાજા ખાતે આવેલ ન્યૂ બોમ્બે માર્કેટ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક પાસે મોટી સંખ્યામાં શિવ ભક્તો ભેગા થયા હતાં શિવાજીની પ્રતિમાને માળા અર્પણ કરીને તેમના જીવન ચરિત્ર પર આધારિત ગ્રંથનું વાંચન કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



