સુરતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની દમયંતીબેન જીતેન્દ્રભાઈ જરીવાળાનું અવસાન

0
35

દમયંતીબેને ૧૯ વર્ષની વયે હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો
સુરત, તા.૨

સુરતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની દમયંતીબેન જીતેન્દ્રભાઈ જરીવાળાનું ૯૭ વર્ષની વયે અવસાન થયુ છે. માત્ર ૧૯ વર્ષની વયે હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લેનાર દમયંતીબેને આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ પીપલોદની સાંઈ આશિષ સોસાયટી, ચાંદની ચોક પાસે નિવાસ કરતાં હતા. દમયંતીબેનનો જન્મ તા.૯/૫/૧૯૨૨ ના રોજ સુરતમાં થયો હતો. એમના માતા સ્વ. સવિતાબેન છોટાલાલ સરૈયા પણ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય રહ્યા હતા. સવિતાબેન મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનમાં હરિજન બહેનોને સીવણકામ શીખવતા અને અક્ષરજ્ઞાન આપતા હતા તેથી જ દેશપ્રેમ અને આઝાદીની લડત માટેની પ્રેરણા એમને ગળથૂથીમાં જ મળી હતી.
આવા વાતાવરણમાં રહીને દમયંતી બહેનનો દેશપ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો આઝાદીની ચળવળ દરમિયાન અંગ્રેજોનો વિરોધ કરવા ‘હિંદ છોડો, ભારત માતાકી જય’ જેવા નારા લગાવી સરઘસમાં ઝંડો લઈને સૌથી આગળ ચાલતા હતા. પોલીસ પકડવા આવે ત્યારે અલગ અલગ જગ્યાએ છુપાઈ જતા હતા.
એક સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો. એમને સમજાવવામાં આવ્યું કે, ‘તમે અંગ્રેજો સામે સુત્રો બોલી વિરોધ કરતા નહોતા એવું કોર્ટમાં કહી દેજો. તો ઓછી સજા થશે.’ પરંતુ એમણે કોર્ટમાં મક્કમતાથી જણાવ્યું કે, ‘હા, અમે સૂત્રો બોલતા હતા, અને હજી પણ અંગ્રેજોના દમન સામે અવાજ ઉઠાવીશું.’ જેથી એમને સજારૂપે સાબરમતી જેલમાં જવું પડ્‌યું. જેલમાં અંગ્રેજોના અત્યાચાર સહન કર્યા, જેલમાં પણ ભગવદ ગીતાના પાઠ કરતા હતા. તેઓ કુટુંબ સાથે રહી ધાર્મિક જીવન જીવતા હતા.
રાજ્ય સરકાર તરફથી તેમને માસિક રૂ.૨૮ હજાર પેન્શન પ્રાપ્ત થતું હતું. તેમના અવસાનથી સુરતવાસીઓમાં શોકની લાગણી પ્રસરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY