બેગમાંથી નવજાત બાળકી મળી આવતા નિષ્ઠુર જનેતા સામે લોકોમાં રોષ

0
5

સુરત,તા.૨૭
જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક વડ નીચેથી એક બેગ મળી આવી હતી. જેમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. બુધવારે બપોરે સખત ગરમીમાં એક રાહદારીને બાળકી રડવાનો અવાજ આવતો હતો. જેથી બેગ ખોલી તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. અને બેગમાંથી થાળી-વાટકા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ને જાણ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
૧૦૮ના ઈએમટી અલ્પેશ બિઢોણ અને પાયલોટ ઉદય દવે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બાળકીની પ્રાથમિક તપાસ કરતા તંદુરસ્ત હોવાનું જણાયું હતું. દરમિયાન બેગની તપાસ કરતા ૧૦૮ સાયણ લોકેશનની ગાડીની દર્દીની માહિતી ભરેલી સ્લીપ મળી આવી હતી. જેમાં દર્દીનું નામ નિશા આર. સોલંકી હતું. ૨૨મીના રોજ જીવન રક્ષા હોસ્પિટલથી ૧૦૮ સાયણની ગાડીમાં સગર્ભાને લઈને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હોવાનો ઉલ્લેખ સ્લીપમાં કરવામાં આવ્યો છે. જેથી આ મહિલાએ બાળકી તરછોડી હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બાળકીની સંભાળ રાખી રહ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ દોડી આવી છે. અને સ્લીપ આધારે માતાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જોકે, લોકોમાં નિષ્ઠુર જનેતા સામે ઉગ્ર રોષ જાવા મળી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY