ચીલઝડપથી ઘટનામાં મુકેશ પટેલ જમીન પર પટકાયા : બન્ને લૂંટારૂઓને ઝડપી પાડયા
સુરત, તા.૧૩
ઓલપાડના બીજેપીના ધારાસભ્ય મુકેશ પટેલ સાથે ચીલઝડપની ઘટના બની છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ચીલઝડપની ઘટના દરમિયાન ધારાસભ્ય જમીન પર પટકાયા હતા, જેના કારણે તેમને ઈજા પહોંચી છે. નોંધનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં મોટા વરાછા વિસ્તારમાં મુકેશ પટેલ વિરુદ્ધ બેનર લાગ્યા હતા. આ બેનરમાં પણ આ વિસ્તારમાં મોબાઇલના ચીલઝડપની ઘટનાઓ વધી રહી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે સુરતના ઓલપાડ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ ર્મોનિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે તેમની સાથે ચીલઝડપની ઘટના બની હતી. ધારાસભ્ય ર્મોનિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમનો મોબાઇલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. મોટરસાઇકલ પર આવેલા બંને શખ્સોએ ધારાસભ્યનો મોબાઇલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ધારાસભ્યએ મોબાઇલ પકડી રાખતા તેઓ જમીન પર પટકાયા હતા.ચીલઝડપના પ્રયાસ બાદ અન્ય વાહનો પર પીછો કરીને બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. બાદમાં બંને આરોપીઓને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જમીન પર પટકાયા બાદ ધારાસભ્ય મુકેશ પટેલને સામાન્ય ઈજા પહોંચી છે.
બે મહિના પહેલા સુરતના વરાછા વિસ્તારમાં ઓલપાડના ધારાસભ્ય વિરુદ્ધ બેનેરો લાગ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા છે.’ મોટા વરાછાના સુદામા ચોકમાં ધારાસભ્ય વિરુદ્ધ બેનર લાગ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, “ખોવાયેલ છે. અમારા ધારાસભ્ય. મુકેશ પટેલ (ઓલપાડ) ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે. અમારા મોટા વરાછા વિસ્તારમાંથી દરરોજ ૧૦ થી ૧૨ મોબાઈલની ચીલઝડપ થાય છે. એવા સમયે પણ અમારો નેતા જોવા ન મળે તો આવા નેતાનું આપણે શું કામ છે? મુકેશ પટેલના રાજમાં મોબાઈલ સ્નેચર્સનો રાફડો ફાટ્યો છે. અમારા ધારાસભ્યને જો અહીંયા મોઢું પણ દેખાડવું ન હોય તો રાજીનામું આપો.”અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ કામરેજના ધારાસભ્યને અસામાજિક તત્ગવો દ્વારા છરી બતાવી ધમકી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



