દિવ્યાંગ દિકરીને પિતા હાથમાં ઉંચકીને મતદાન કેન્દ્ર સુધી લઈ આવ્યા
સુરત, તા.૨૪
૧૦૦ ટકા દિવ્યાંગ હોવા છતાં પણ શારીરિક તકલીફને અવગણી કતારગામના આંબાતલાવડી પાસે આવેલી મોહનદીપ સોસાયટીમાં રહેતા ભીમજીભાઈ ધનજીભાઈ પણસારાની ૩૫ વર્ષીય દિવ્યાંગ દીકરી જીજ્ઞાબેને મતદાન કરવા પહોચી લોકશાહીની મહત્તાને ઉજાગર કરી હતી. દિવ્યાંગ હોવા છતાં લોકશાહીમાં ચૂંટણીના અનેરા મહત્વને સમજતા જીજ્ઞાબેને ચાલવાની ક્ષમતાને અવગણી પિતા સમક્ષ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતા ભીમજીભાઈ તેમને રિક્ષામાં લલિતાચોકડી પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મતદાન મથક પર લઇ આવ્યા હતા. દીકરીને હાથોમાં ઊંચકીને મતદાન કક્ષ સુધી લઇ ગયા હતા. મતદાન પ્રત્યે ઉદાસીન યુવાનો માટે આ યુવતીએ પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ખાસ દિવ્યાંગ બુથ બનાવવામાં આવ્યા હતા. લલિતાચોકડી પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને દિવ્યાંગ બુથ નિયત કરવામાં આવ્યું હતું.
બારડોલી માતા ફળિયામાં રહેતા અને પ્રથમવાર મતદાન કરતા અભિરાજ રાઠોડે જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં મારા માતા-પિતા સાથે પ્રથમવાર મતદાન કર્યું છે જે બદલ આનંદની લાગણી અનુભવું છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



