સુરત,તા.૧૮
પલસાણા તાલુકાના બારાસડી ગામે રણછોડરાયના મંદિરમાં દર્શનાર્થીઓ ઉપર મધમાખીએ હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોને ઇજાગ્રસ્ત હાલતમાં બારડોલી સરદાર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે રણછોડરાયનું મંદિર આવેલું છે. આજે શનિવારે વૈશાખી પૂનમ હોવાથી સુરત જિલ્લામાંથી ભક્તો અહીં દર્શનર્થે આવ્યા હતા.
જ્યાં અચાનક મધમાખીનો પુડો કોઈ કારણસર છંછેડાયો હતો. જેથી ત્યાં હાજર મોટી સંખ્યામાં ભક્તોને મધમાખી કરડી હતી. તાત્કાલિક તમામને ખાનગી વાહનો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરમાં વહેલી સવારથી ભીડ જામી હતી. અને મંદિરમાં નીકળતો અગરબત્તીનો ધુમાડો કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું. ધુમાડો મધમાખીના પૂડા માં જતા માખીઓ ઉડી હતી. અને દર્શનાર્થીઓને ઇજા પોહચાડી હતી. ઉલ્લેખનીય છે કે, રણછોડરાયનું આ મંદિર પૌરાણિક મંદિર છે. ડાકોરના રણછોડરાય મંદિર જેટલી જ આસ્થા અહીં ભક્તોમાં છે. જેથી પૂનમ ભરવા લોકો આવે છે. આ મધમાખીનું ઝુંડ પ્રથમવાર નહીં પરંતુ બે વર્ષ અગાઉ પણ આજ પૂનમે કેટલાક ભક્તો ઉપર હુમલો કર્યો હતો. અને જેમાં એક આધેડનું મૃત્યુ પણ થયું હતું. જેથી હોવી આ મધમાખીના પૂડાનો કાયમી નાશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



