શિક્ષકનું પદ સર્વોચ્ચ સ્થાને છે : રાજેશ ધામેલિયા
સુરત, તા.૪
અરિહંત એકેડેમી- ત્રિકમનગર, લંબે હનુમાન રોડ,સુરત ખાતે આજે “ ઇફેક્ટિવ ક્લાસવર્ક ” શિક્ષક સજ્જતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો. શાળાના ટ્રસ્ટી શ્રી અનુરાગભાઈ કોઠારીએ આજના ટ્રેનર શ્રી રાજેશ ધામેલિયાનું સ્વાગત કર્યું હતું અને પરિચય આપ્યો હતો.
ટ્રેનર શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ વર્ગખંડને અસરકારક બનાવવા શિક્ષક આત્મગૌરવ દાખવે તે સૌથી મહ¥વની બાબત છે. પટ્ટાવાળા થી લઈને સચિવ કે નગરસેવક થી લઈને વડાપ્રધાન સુધીમાં સૌથી વધુ આદરભર્યું કોઈ પદ હોય તો તે શિક્ષકનું છે.મહામહિમ રાષ્ટ્રપતિ પણ આદરપૂર્વક પોતાના માતાપિતા અને શિક્ષકને પ્રણામ કરી શકે. અન્ય કોઈ વ્યક્તિને પ્રણામ કરવામાં પ્રોટોકોલનો ભંગ ગણાય. આપણા પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના સૌ શિક્ષકોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરીને આ ગૌરવ અપાવ્યું હતું.રાષ્ટ્રનિર્માણનું કાર્ય કરતાં શિક્ષકોમાં “શિક્ષકત્વ” જાગે તે અત્યંત જરૂરી છે.
વર્ગકાર્યને અસરકારક બનાવવા શિક્ષકે વાચન, મનન અને નિદિધ્યાસન કરીને સજ્જ બનવું ખૂબ જરૂરી છે. પાઠ ચલાવીને સવાલ-જવાબ પાકા કરાવી દેવા એ શિક્ષણનો એક ભાગ છે. વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ, વિચારશક્તિ,નિર્ણયશક્તિ જેવા ગુણો ખિલવવા એ સાચું શિક્ષણ છે. પૂર્વતૈયારી અને મધુર સ્મિત સાથે વર્ગખંડમાં જનાર શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવી દે છે. અદ્યતન શૈક્ષણિક ઉપકરણો, ઇન્ટરનેટ, મોબાઇલના જમાનામાં શિક્ષક “જરા હટકે” અર્થાત કંઈક નવું ભાથું પીરસશે તે જ સફળ શિક્ષક થઈ શકશે.
શિક્ષકને જોઈને વિદ્યાર્થીના ચહેરા પર ખુશી છવાઈ જાય,વિદ્યાર્થી સામે ચાલીને શિક્ષકને મળવા આવે તો શિક્ષકે સમજવું કે તેમણે વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન મેળવ્યું છે. શિક્ષકે વિવિધ પ્રકારે પોતાનું મૂલ્યાંકન કરતાં રહીને અપડેટ થતું રહેવું જોઈશે.
સંવાદરૂપે યોજાયેલા કાર્યક્રમમાં બાલભવન થી બાર ધોરણ સુધીના સૌ શિક્ષક ભાઈઓ-બહેનો ખૂબ આનંદથી સહભાગી થયાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



