સુરત,તા.૪
સુરતના કતારગામમાં રહેતા અને અગાઉ જમીન દલાલી તેમજ હાલ હીરા દલાલીનું કામ કરતા યુવાને પાંચ વર્ષ અગાઉ લગ્ન સમયે પરિચિત ફાઇનાન્સર પાસેથી ૬%ના દરે રૂ. ૩ લાખ વ્યાજે લીધા હતા. લગભગ અઢી વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ આર્થિક પરિસ્થિતિ બગડતા મુદ્દલ અને વ્યાજ ચૂકવી નહી શકનાર યુવાનને ફાઇનાન્સરે ઉઠાવી જવાની તેમજ ગોળી મારી હત્યા કરી નાખવાની ધમકી આપતા આખરે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના ડીસાના વતની અને હાલ સુરતમાં કતારગામ પારસ સોસાયટી રાધે રેસીડન્સી ફ્લેટ નંબર ૨૦૩માં રહેતા ૩૯ વર્ષીય ઓમપ્રકાશભાઇ વિરમભાઈ કીરી મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામ કરે છે. ઓમપ્રકાશભાઈ અગાઉ જમીન દલાલીનું કામ કરતા હતા તે સમયે તેમની ઓળખાણ ફાઇનાન્સર કનુભાઈ બારૈયા(રહે. સુભાષ ગાર્ડન પાસે, ભટાર રોડ, સુરત) સાથે થઈ હતી. ઓમપ્રકાશભાઈ ના લગ્ન ગત ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ થયા હતા.લગ્ન ના બાર દિવસ અગાઉ તેમણે ફાઇનાન્સર કનુભાઈ પાસે રૂ. ૩ લાખ ૬%ના વ્યાજે લીધા હતા. કનુભાઈએ વ્યાજ કાપી બાકીની રકમ ઓમપ્રકાશ ભાઇને આપી હતી.
ઓમ પ્રકાશ ભાઈ એ ઓગસ્ટ ૨૦૧૬ સુધી વ્યાજ પેટે રૂ. ૩ લાખના બદલામાં રૂ. ૫.૪૦ લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ તેમની આર્થિક પરિસ્થિતિ બગડતાં તે બાકી વ્યાજ અને મુદ્દલ ચૂકવી શકયા ન હતા. દરમિયાન, ફાઇનાન્સર કનુભાઈએ રૂ. ૫ લાખ બાકી છે તેમ કહી ઓમપ્રકાશભાઈ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી અને પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની અને પોતે દલિત હોય એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવા માંડી હતી. આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એ બી મહેરિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




