ડિપ્રેશનનો ભોગ બનેલા લોકોને સધિયારો આપવાનું કાર્ય કરી રહી છે જીવન આસ્તા હેલ્પલાઈન

0
16

આસ્તા બચાવી રહી છે લોકોનું અમૂલ્ય જીવન
હેલ્પલાઈનની મદદથી ૩૧૧થી વધુ મહામૂલી જીંદગીઅો મોતના મૂખમાં જતી બચાવાય છે
સુરત, તા.૧૨

હતાશ, નિરાશ અને સતત માનસિક તાણમાં રહેતા, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર મહિલાઓ, આર્થિક સંક્રમણ અનુભવતા વ્યકિતઓ કે કુરિવાજોનો ભોગ બનનાર નિરાશ વ્યકિતઓ કે જેઓને માનસિક સારવારની જરૂર હોય તેવા ડીપ્રેશ વ્યકિતઓ કે આત્મહત્યાનું આત્યતિક પગલુ ભરવા જનારાઓ માટે આર્શિવાદરૂપ કાર્ય કરતી જીવન આસ્થા હેલ્પલાઈન સુરત જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી સુરત ગ્રામ્ય અને વાંદરેવાલા ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી ચાલી રહી છે.
જીવન આસ્થા હેલ્પલાઈન વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી એ.એમ. મુનિયાએ જણાવ્યું હતું કે, હતાશ અને નિરાશ થયેલા લોકોને ૨૪ કલાક અને ૩૬૫ દિવસોમાં પરામર્શક, મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક તેમજ પોલીસની મદદ મળી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જીવન આસ્થા હેલ્પલાઈન નંબર ૧૮૬૦ ૨૬૬ ૨૩૪૫ની શરૂઆત ૧૦ સપ્ટેમ્બર-૨૦૧૩થી કરવામાં આવી હતી. ટેલીફોનિક કાઉન્સેલીગની મદદથી અત્યાર સુધીમાં ૩૧૧થી વધુ મહામૂલી જીંદગીઓ મોતના મૂખમાં જતી બચાવાય હોવાની વિગતોશ્રી મુનિયાએ આપી હતી.
આ વેળાએ વાંદરેવાલા ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ ડો.જહોને જણાવ્યું હતું કે, સમગ્ર ભારતભરમાંથી હેલ્પલાઈનના ફોન કોલ આવતા હોય છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુના કોલ એટેન્ડ કરીને લોકોનું ટેલિફોનિક કાઉન્સેલીગ કરવામાં આવ્યું છે તેમજ ૩૧૧થી વધુ જીંદગીઓ બચાવાય છે. ભારતભરમાંથી આવતા ફોન માટે ગુજરાતી, મરાઠી, ઈગ્લીશ, હિન્દી એમ ચાર ભાષાઓમાં કાઉન્સેલીગ કરવામાં આવે છે. અમુક માનસિક વ્યકિતઓના ૪૦૦ થી ફોન કોલ્સ પણ આવતા હોવાની વિગતો તેમણે આપી હતી. આ હેલ્પલાઈન સુરત અને ગાંધીનગર એમ બે જિલ્લાઓમાં કાર્યરત છે. સુરતની હેલ્પલાઈન નંબર ૧૮૬૦ ૨૬૬ ૨૩૪૫ અને ગાંધીનગરના ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ કાર્યરત છે.
સાયકોલોજીસ્ટશ્રી રૂદ્રેશ વ્યાસે જણાવ્યું હતું કે, હેલ્પલાઈન દ્વારા બેઝીક તથા વધારે તકલીફ હોય તેવા સમયે નિષ્ણાંત સાયકોલોજીસ્ટની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને પરીક્ષાના સમયે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. ધો.૧૦ના વિદ્યાર્થીઓ ગણિત, સમાજવિદ્યા, અંગ્રેજી તથા ધો.૧૨ના વિદ્યાર્થીઓ ફિઝીકસ, બાયોલોજી, મેથેમેટીકસ જેવા વિષયો પર પ્રશ્નો પૂછતા હોય છે. પરીક્ષાનો ડર, વાચ્યું યાદ નથી રહેતુ તથા માતાપિતાની વધુ પડતી અપેક્ષાઓ જેવા અનેક સવાલો વિદ્યાર્થીઓ કરતા હોવાની વિગતો તેમણે આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એસ.એસ.રાજયગુરૂ જણાવ્યું કે, ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ૭મી માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં સુરત શહેર-જિલ્લામાં ૧.૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ક્યારેક યોગ્ય માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવે છે અને વધુ પડતા સ્ટ્રેસના કારણે ક્યારેક આત્મહત્યા સુધીનું અઘટિત પગલું પણ ભરતા હોય છે. આવા સમયે પરીક્ષા પૂર્વે હતાશ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર માટે આસ્થા હેલ્પલાઈનનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ તેમની સમસ્યાના નિવારણ માટે મનોવિજ્ઞાનિક અને મનોચિકિત્સક જેવા નિષ્ણાતો સાથે વાત કરી શકાશે તેવી વિગતો શ્રી રાજયગુરૂએ આપી હતી.
નોંધનીય છે કે, સુરત અને ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઈનમાં સમગ્ર ભારતભરમાંથી વર્ષ ૨૦૧૭માં ૧૦,૦૯૩ તથા ૨૦૧૮ના વર્ષમાં ૧૭,૬૯૯ ફોન કોલ દ્વારા લોકોનું કાઉન્સેલીગ કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY