ગણેશ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના કારણે પર્યાવરણ જોખમાય તેવી ભીતિના કારણે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરતના સુરતના ૬ યુવાનો ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના સર્જન દ્વારા પર્યાવરણ જાગૃત્તિ માટે આગળ આવ્યા છે. ‘સર્વેનો એક જ ઉદ્દેશ્ય, માટીના હોય ગણેશ’ આ સુત્રને સાર્થક કરવા આ યુવામિત્રોની નેચરબુક સંસ્થાએ આગામી ગણેશ ચતુર્થીના પર્વમાં પ્રોજેક્ટ પ્રકૃતિ ગણેશ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ માટીથી નિર્મિત ગણેશ પ્રતિમાનું નહિ નફો અને નહિ નુકસાનના ધોરણે વિતરણ કરવામાં આવશે. આ ગ્રુપના સભ્યોએ કલેકટરશ્રી ધવલ પટેલને સમગ્ર પ્રોજેકટથી વાકેફ કરતા કલેકટરશ્રીએ પણ આ નવલોહિયા યુવાનોના પ્રોજેકટને વખાણીને પ્રોત્સાહિત કર્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને વિવિધ કોલેજમાં અભ્યાસ કરતાં મિલન પટોળીયા, ભાગ્યોદય પટોળીયા, હિમાંશુ પટોળીયા, ઉત્સવ ભાલાળા, હાર્દિક પાંચાણી અને કિશન વાઘડીયાએ સાથે મળી માટીના ગણપતિનો લોકો મોટા પાયે સ્થાપન કરે તે માટે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
નેચરબુક સંસ્થાના પ્રમુખ મિલન પટોળીયા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ઈશ્વરનું પ્રકૃતિમાંથી સર્જન, પૂજન અને વિસર્જન કરવાનો હોવાનું જણાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરમાં રાહતદરે ગણેશજીની મૂર્તઓનું વિતરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકો ઈકો-ફ્રેંડલી પ્રતિમાની સ્થાપના કરીને આ ગણેશ ચતુર્થીના ઉત્સવને ‘ગ્રીનોત્સવ’ બનાવી પ્રકૃતિનું જાળવણી કરે તથા પ્રતિમાનું વિસર્જન તાપી નદીમાં ન કરતા ઘરે વિસર્જન કરે તે માટે પ્રેરિત કરવાનો છે. આ ચળવળ થકી તાપી નદીનું પ્રદુષણ ઘટાડી નાગરિકોનું સ્વાસ્થ્ય જાળવી શકાશે એમ દ્રઢપણે જણાવે છે.
ગણેશ ભક્તો પોતાના ઘરે માટીના ગણેશજીનું વિસર્જન જળાભિષેક દ્વારા કરી અને એ માટીમાં જ વૃક્ષારોપણ કરી ગણેશજીને પ્રકૃતિના સ્વરૂપે જીવંત કરી શકાશે. પ્રોજેક્ટ પ્રકૃતિગણેશથી લોકોને માહિતગાર કરવાં માટે ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવશે. માટીની મૂર્તિનું સ્થાપન કરવા ઈચ્છનાર ગણેશભકતો ૧/૨, વૃંદાવન એપાર્ટેમન્ટ, શ્રધ્ધા રેસ્ટોરન્ટની સામે, પૂર્વી રોડ, હિરાબાગ ખાતે મિલન પટોલિયા મો.૯૦૩૩૦ ૨૬૦૩૨, ભાગ્યોદય પટોલીયા મો.૯૦૩૩૦ ૫૬૦૬૨નો સંપર્ક સાધી શકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





