મુંબઇ-દ.ગુજરાતમાં ભારે વરસાદ: જનજીવન ઠપ

0
4
મુંબઇમાં ૨૪ કલાકમાં નવ ઇંચ વરસાદ સાતના મોત : ઠેર ઠેર ટ્રાફિક જામ

– દીવાલ અને મકાન ધરાશાયી થવાની સાત ઘટના : બોરીવલીમાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ

છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામ થયો હતો. રેલવે ટ્રેક પર પર પાણી ભરાઈ જતાં પશ્ચિમ, મધ્ય રેલવે અને હાર્બર લાઇનની વ્યવસ્થા ખોરવાઈ હતી. આ ઉપરાંત અસંખ્ય વિમાન વ્યવહાર ઉપર પણ અસર થઈ હતી. પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા રેલવે સ્ટેશનમાં ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા હતા. એટલે બપોરે ૨.૧૦ વાગ્યે અપ લાઇનની ટ્રેન સેવા રદ કરવાની ફરજ પડી હતી. ૨.૪૦ વાગ્યે ફરી ટ્રેન સેવા શરૃ કરાઈ હતી. આ દરમિયાન ૩૦ લોકલ સેવા રદ કરાઈ હતી અને ૧૦૦ ટ્રેનો મોડી દોડી હતી. દાદર-અજમેર એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, બાંદરા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસ, દાદર-ભુજ એક્સપ્રેસના ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ખાર અને મિલન સબ-વેમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સાંતાક્રુઝ, ખાર, મલાડ, અંધેરી સબ-વે, સાયન, પવઈ, ચેંબૂરમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર અન્ય રસ્તામાં ડાઈવર્ટ કરાયો હતો. વીકેન્ડ માણીને પાછા ફરી રહેલાં નાગરિકો મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી પનવેલ આવી રહ્યા હતા તેમને ટ્રાફિક જામનો સામનો કરવો પડયો હતો. અતિ ભારે વરસાદને લીધે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ બાંધકામ પણ અટકી પડયું હતું. ઉરણ-બેલાપુર રોડ પણ જળબંબાકાર થઈ ગયો હતો. દહાણુમાં રેકોર્ડ બ્રેક ૫.૬ ઈંચ વરસાદ પડયો હતો. સમગ્ર થાણા જિલ્લામાં પડેલા મૂશળધાર વરસાદને લઇ અનેક ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા. ભિવંડીની બજાર પેઠ, તિન બત્તી તેમજ ભાજી માર્કેટમાં પાણી ફરી વળતા નાના વેપારીઓનું મોટું નુકસાન થયું છે. વડાલામાં મોટી ઇમારતની દિવાલ તૂટી પડી, ૧૫ કારનો કચ્ચરઘાણ મુંબઇમાં વરસી રહેલા મૂશળધાર વરસાદ વચ્ચે વડાલા વિસ્તારના એન્ટોપહિલના સંગમનગર ખાતે લોઇડ એસ્ટેટના કમ્પાઉન્ડ વોલ વહેલી સવારે ૪.૪૫ વાગ્યે ધરાશાયી થઇ હતી. બાજુમાં આવેલા રસ્તા ઉપર દીવાલ પડતા રસ્તા વચ્ચે ભૂવો પડયો હતો. જોકે, સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં જાનહાનિ થઇ ન હતી. ઈમારતની દીવાલની આસપાસ ઉભેલી ૧૫ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લોઇડ એસ્ટેટના કમ્પાઉન્ડ નજીક ‘દોસ્તી પાર્ક’ ઇમારતનું બાંધકામ શરૃ હતું. ત્યારે આ ઘટના બની હતી. લોઇડ એસ્ટેટના રહેવાસીઓએ દોસ્તી કન્સ્ટ્રક્શનના બાંધકામ બાબતે મુંબઇ મહાનગર પાલિકાને ફરિયાદ કરી હતી. જેમાં ઇમાતરનું કામકાજ જોખમી હોવાની જાણકારી આપી હતી. પરંતુ પાલિકાએ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી ન હોવાનું રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પણ આ બાબતે ધ્યાન આપ્યું ન હતું એવો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો. સ્થાનિક લોકોએ દોઢ મહિના પહેલાં પાલિકામાં ફરિયાદ કરી હતી. સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો, લોકોએ પાલિકાએ જઇ બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી ઉમરગામમાં ૧૪, વલસાડમાં ૧૨, દમણમાં આઠ અને નવસારીમાં છ ઇંચ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. નૈઋત્યના મોસમી પવનો અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધતાં સૌરાષ્ટ્રમાં વેરાવળ,ગુજરાતમાં અમદાવાદ અને પૂર્વમાં સાબરકાંઠા જિલ્લા સુધી ચોમાસાની ગ્રીડ છવાઇ ગઇ છે. મુંબઇથી આગળ ધપેલા ચોમાસાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું નાખ્યું છે. વલસાડ જિલ્લામાં ૧૨ ઇંચ, ઉમરગામમાં ૧૪ ઇંચ, દમણમાં ૮ ઇંચ અને નવસારીમા ૬ ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. જનજીવન તહસનહસ થઇ ગયું છે. અમદાવાદ-મુંબઇ રેલવ લાઇનમાં ભિલાડ અને સંજાણ વચ્ચે પાટા પર પાણી ફરી વળતાં ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. અમદાવાદ આવતી દસ ટ્રેનો મોડી પડી હતી. એવી જ રીતે હાઇવે પર પણ ભારે વરસાદના પરિણામે ઉમરગામ અને બીજા સ્થળોએ ઠેર ઠેર ટ્રાફિક જામ થવો પામ્યો હતો. ડાંગમાં ૬ ઇંચ, તાપીમાં ૪ ઇંચ, ભરૃચ અને વડોદરામાં ચાર ઇંચ વરસાદ પડયો છે. વીજળી પડવાથી, ડૂબવાથી ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. સૌરાષ્ટ્રમાં વેરાવળ, તલાળા, અમરેલી, ભાવનગર, રાજકોટ, વાડીયા, બાબરા, લાઠી, જેતપુર સુરેન્દ્રનગર, અને મહુવામાં હળવાથી મધ્યમ પ્રમાણમાં એટલે કે પા ઇંચથી માંડીને દોઢ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ધનસુરા પંથકમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે અમદાવાદમાં હળવો વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં ખેડા અને માતરમાં અડધો ઇંચ અને કપડવંજ, કઠલાલ, ઠાસરા, નડીયાદ, મહુધા વગેરે સ્થળોએ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મુંબઇથી આગળ વધેલા ચોમાસાએ આજે દક્ષિણ ગુજરાતમાં સપાટો બોલાવ્યો હતો. દમણ, વાપી,વલસાડ,ઉમરગામ, નવસારી, કપરાડા, ધરમપુરમાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદે સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. નદીઓ નાળાને ભરી દીધાં હતા. મધુબન ડેમમાં નવા પાણીની આવક થતાં તેની સપાટી ૬૭.૪૦ મિટર નોંધાઇ હતી. સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં માગરોળ તાલુકામાં ૭ ઇંચ અને ઉમરપાડામાં ૬ ઇંચ વરસાદ પડયો હતો. તાપી જિલ્લામાં ડોલવણમાં ૬.૮ ઇંચ અને વાલોડમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો. વ્યારામાં બે ઇંચ વરસાદ થયો હતો. ભરૃચ જિલ્લામાં પડેલા ભારે વરસાદમાં ઝઘડીયા તાલુકામાં હાઇવે પર રાજુપારડી પાસે નાળું ધોવાઇ ગયું હતું અને ઝઘડીયા-અવિધા રૃટની એસ ટી બસ ફસાઇ ગઇ હતી. તેમાં બેઠેલા ૧૭ પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. રાજપારડી અને ઝઘડીયા વચ્ચે બીજી એક બસ પાણીના પ્રવાહમાં તણાઇ હતી અને તેમાં બેઠેલા ચાર પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. નર્મદા જિલ્લામાં નેત્રંગમાં સાત ઇંચ વરસાદ પડયો હતો. વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટ્રેકટર તણાઇ જવાના કારણ એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ડાંગમાં વઘઇ ખાતે ૬ ઇંચ વરસાદ પડયો હતો. ગીરા, પૂર્ણા, ખાપરી અને અંબિકા નદીમાં નવા પાણી આવ્યા હતા. ગિરિમથક સાપુતારામાં પણ પડેલા ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ હતી. વડોદરા શહેર અને જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને કાળા ડિબાંગ વાદળોથી અંધકાર છવાઇ ગયો હતો. ત્યાર બાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો. વડોદરા શહેરમાં સાડા ચાર ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી દીધા હતા. જુદા વિસ્તારોમાં ત્રીસેક ઝાડ ઉખડી પડયા હતા. શાળા છૂટવાના સમયે પડેલા ભારે વરસાદના પરિણામે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. પાદરા, સાવલી, ડેસર, કરજણ, શિનોર ડભોઇ અને વાઘોડિયામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નૈઋત્યના મોસમી પવનો સક્રિય બનતા સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ સુરત,ભરૃચ અને વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ વલસાડ જિલ્લો ઉમરગામ ૧૪.૦ ઇંચ પારડી ૧૦.૦ ઇંચ વાપી ૧૦.૦ ઇંચ વલસાડ ૧૨.૦ ઇંચ ધરમપુર ૬.૫૦ ઇંચ કપરાડા ૭.૫૦ ઇંચ નવસારી જિલ્લો ચીખલી ૮.૦ ઇંચ ખેરગામ ૬.૦ ઇંચ વાંસદા ૫.૨ ઇંચ ગણદેવી ૫.૦ ઇંચ નવસારી ૨.૦ ઇંચ જલાલપોર ૨.૦ ઇંચ તાપી જિલ્લો ડોલવણ ૬.૮ ઇંચ વાલોડ ૪.૦ ઇંચ વ્યારા ૨.૦ ઇંચ નિઝર ૧.૪ ઇંચ સોનગઢ ૧.૨ ઇંચ ઉચ્છલ ૧.૦ ઇંચ કુકરમુંડા ૦.૫ ઇંચ સુરત જિલ્લો માંગરોળ ૭.૦ ઇંચ ઉમરપાડા ૬.૦ ઇંચ બારડોલી ૫.૦ ઇંચ કામરેજ ૪.૫ ઇંચ પલસાણા ૪.૦ ઇંચ મહુવા ૩.૦ ઇંચ માંડવી ૨.૦ ઇંચ ચોર્યાસી ૧.૫ ઇંચ ઓલપાડ ૧.૦ ઇંચ સુરત સિટી ૧.૫ ઇંચ ડાંગ જિલ્લો વઘઇ ૬.૦ ઇંચ સાપુતારા ૨.૦ ઇંચ સુબિર ૨.૦ ઇંચ આહવા ૨.૦ ઇંચ સંઘપ્રદેશ દમણ ૮.૫ ઇંચ દા.ન.હ ૭.૦ ઇંચ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY