મૂકબધીર સંતાનોના અવાજ અને સંવાદની નવી દુનિયામાં પ્રવેશના દ્વાર ખુલતા વાલીઓ ખુશખુશાલ

કોકલીયર ઇમ્પ્લાન્ટ એટલે કાનમાં કૃત્રિમ પડદો બેસાડવા અને શ્રવણ વ્યવસ્થાનું સર્જન કરવાની શસ્ત્રકિયાનો ખર્ચ રૂા. ૬ લાખથી વધુ થાય છે
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્રનું એક ઉમદા કાર્ય
વડોદરા : ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે) ના અમલીકરણની રાજ્ય સરકારના આરોગ્ય તંત્રની સંનિષ્ઠાથી માસુમ ક્રિષ્ણા, સોહમ અને નિશાની મૂકબધીરતાનું નિવારણ થતાં, આ ત્રણ ભૂલકાં અવાજ અને સંવાદની નવી અને રોમાંચક દુનિયામાં પ્રવેશ કરશે. સહદય સરકારની સંવેદનશીલતાથી આ ત્રણ માસુમ ભૂલકાંઓની મોંઘીદાટ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે જેના લીધે તેમને શ્રવણશક્તિ અને વાચાનું અણમોલ વરદાન મળ્યુ છે. કોકલીયર ઇમ્પ્લાન્ટ એટલે સાદી ભાષામાં કહીએ તો કાનમાં કૃત્રિમ પડદો અને શ્રવણ વ્યવસ્થાનું સર્જન કરવાની શસ્ત્રક્રિયા જેનો ખર્ચ રૂા. ૬ લાખથી વધુ થાય છે. ઉપરોક્ત બાળકોના વાલીઓની આટલો ખર્ચ કરવાની ક્ષમતા ન હતી એટલે કહી શકાય કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને જન્મજાત મુકબધીરતાનું નિવારણ કરવાનું માધ્યમ બનાવીને વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રએ એક ઉમદા કાર્ય કર્યું છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) વડોદરા અને સિંઘાનીયા હોસ્પિટલના ડો. પ્રોફેસર અંકિત સિઘાનિયાના સંયુક્ત પ્રયાસો થકી ત્રણ બાળકોના અત્યંત જટિલ ગણાતા કોકલીયર ઇમ્પ્લાન્ટ ગત જન્મથી જ સાંભળીના શકતા હોવાને કારણે બોલી પણ શકતા ન હતા, પરંતુ હવે આ ઓપરેશન બાદ તે આવનાર દિવસોમાં સાંભળી અને બોલી શકશે અને એક નવી જ દુનિયામાં પ્રવેશ કરશે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન(NHM) અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK), જન્મજાત ખોડખાપણ, પોષકતત્વોની ઉણપ, વિવિધ રોગો અને બાળ વિકાસને લગતા વિલંબ અને વિકલાંગતા શોધી અને તેને ત્વરિત સારવાર પૂરી પાડી બાળકોને સ્વાસ્થ્યમય જીવન પૂરું પડવાના ઉમદા ધ્યયે સાથે કાર્યરત છે. છતાં, વડોદરા જીલ્લાના આ ૩ બાળકોને આવી જન્મજાત બહેરાશની સારવાર વડોદરામા ઉપલબ્ધ ન હોઇ અમદાવાદ અથવા સુરત લાંબુ થવુ પડતું તેમજ ઓપરેશન બાદ બાળક બોલતા શીખી શકે એ માટે સ્પીચ થેરાપી માટે એક થી બે વર્ષ સુધે દર અઠવાડિયે નિયમિતપણે શહેર બહાર જવું પડે, અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા ઓપરેશનનો ખર્ચ ૬ લાખ કરતા પણ વધુ આવે જે એક ગરીબ કે મધ્યમ વર્ગના કુટુંબ માટે આર્થિક રીતે તેમજ સામાજિક રીતે શક્ય નથી.
પરંતુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત અને તેમની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK)ની ટીમના અથાગ પ્રયત્નો અને જીલ્લા વિકાસ અધિકારીના સક્રિય સહયોગ થકી આ ઓપરેશન ઘરાઆંગણે શક્ય બન્યા.ડો. ટીલાવત અને તેમની ટીમએ આવા જરૂરિયાતમંદ બાળકોને આરોગ્ય તપાસ દ્વારા શોધી, વ્યક્તિગત રીતે જરૂરી તમામ સમજ પૂરી પાડી, સરકારની યોજનાની માહિતી પૂરી પાડી અને અંતે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ADIP યોજનાનો લાભ આપવી તમામને વિનામૂલ્યે ઓપરેશન કરાવ્યા એની નોંધ લેવી ઘટે.
ADIP યોજના અંતર્ગત સિંઘાનિયા ENT હોસ્પિટલ વડોદરાનું પ્રથમ અને એકમાત્ર માન્યતા પ્રાપ્ત્ત કેન્દ્ર છે કે જ્યાં આ પ્રકારના ઓપરેશન થાય છે. આના ફળસ્વરૂપે વડોદરા અને તેની આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદો આવા જટિલ અને અત્યંત મોંઘા ઓપરેશન તદ્દન મફત કરાવી શકશે. ઓપરેશન બાદ ૧ થી ૨ વર્ષ સુધી જરૂરી એવી સ્પીચ થેરાપી પણ આ કેન્દ્રમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ડો. પ્રોફેસર અંકિત સિંઘાનિયા, વૈશ્વિક ખ્યાતી ધરાવતા ENT સર્જન તેમજ સિંઘાનિયા હોસ્પિટલના ડીરેક્ટર પણ છે, તેઓએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં જન્મજાત બધીર બાળકોને આવા ઓપરેશનનો લાભ સરકારશ્રી દ્વારા ફાઇલ મંજુર થયે RBSK તેમજ ADIP યોજના અંતર્ગત સત્વરે મળી શકશે. વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સંપર્ક આ બાબતમાં વધુ જાણકારી માટે થઇ શકે છે.
બોક્ષ : મેઘા મકવાણા કહે છે કે સરકારની આ યોજના ના હોત તો મારી દિકરીએ આજીવન મુકબધીરતા વેઠવી પડત
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ પાંચ વર્ષની ક્રિષ્ણા મકવાણાને કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરીનો લાભ મળ્યો છે. હાલમાં શસ્ત્રક્રિયા પછી એની સ્પીચથેરાપી ચાલી રહી છે જે તબક્કાવાર શ્રવણશક્તિના આધારે એને બોલતી કરશે. આ બાળકી જન્મજાત મૂકબધીર હતી. એના માતા મેઘા મકવાણાએ જણાવ્યું કે, મારી દિકરી બહેરી હોવાથી સાંભળી શકતી ન હતી અને અમે પણ કુદરતને મંજુર નથી એવું ગણીને મન મનાવી લીધું હતું. ગામના બાળમંદિરમાં આવતા ભૂમીકાબહેને જ્યારે જાણ્યું કે, ક્રિષ્ણા બહેરીમૂંગી છે ત્યારે એમને અમને આ યોજનાની જાણકારી અને સમજણ આપી. તેમણે યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા સહિત તમામ કામોમાં મદદ કરી. સરકારની આ યોજના ખૂબ જ સારી છે. અમારા જેવા સામાન્ય પરિવારો માટે આશિર્વાદરૂપ છે. આ યોજના ન હોત તો ક્રિષ્ણા આજીવન બહેરીમૂંગી રહી જાત. પરંતુ યોજના હેઠળ થયેલા ઓપરેશનથી હવે તે સાંભળતી અને બોલતી થશે. સીટીસ્કેન, એમઆરઆઇનો પ્રારંભિક ખર્ચો બાદ કરતાં સંપૂર્ણ શસ્ત્રક્રિયા સરકારના ખર્ચે, સરકારી યોજના હેઠળ થઇ છે. તંત્રનો પણ પૂરતો સહયોગ મળ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




