વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માનવી બનવા આચાર્યએ શીખ આપી
વલસાડ, તા.૨
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એમ.એસ.વી.એસ કેળવણી મંડળ સંચાલિત વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ના ટી.વાય.બી.એ./ બી.કોમ અને એમ.એ સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન આર્ષ વિદ્યા તીર્થ નવસારીના સ્વામીની સદવિદ્યાનંદ માતાએ વિદ્યાર્થીઓને શુભાશિષ આપતા જણાવ્યું કે, વ્યકિતએ જીવનની દરેક અવસ્થામાં કંઇક ને કંઇક શીખતા રહેવું જોઇએ. દરેક વ્યકિતના જીવનનું લક્ષ્ય સૌથી પહેલા સારા મનુષ્ય બનવાનું હોવું જોઇએ. દરેક વિદ્યાર્થીએ શ્રેષ્ઠ નાગરિક બનવું જોઇએ. આ પ્રસંગે કોલેજના આચાર્ય વી.ડી.પટેલે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં નિયમિતતા કેળવવા તેમજ કોલેજના અન્ય અધ્યાપકો મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ મનુષ્ય બનવા, સાંસ્કૃતિક વારસાની જાણવણી કરવા, સાહિત્ય સંગીત કલા પ્રેમ જાળવવા સહકારની ભાવના અને પ્રામાણિકતા કેળવવા જણાવ્યું હતું. હેમરાજે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના વકતવ્યમાં કોલેજના શૈક્ષિણિક વર્ષ દરમિયાન વ્યકિતત્વ ઘડતર, મૈત્રીપૂર્ણ વાતાવરણ, ઇતર પ્રવૃતિઓ, તથા નિયમિત વર્ગશિક્ષણ કાર્યના સંતોષની અભિવ્યકિત કરી હતી. વિદાય સમારંભમાં કોલેજના અધ્યાપકો, વિવિધ શાખાના અધ્યક્ષો અન્ય મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરુઆતમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સર્વધર્મ પ્રાર્થના રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપ્તધારા સમિતિના અધ્યક્ષ ડો.એસ.જી.પટેલે તેમજ આભારવિધિ પ્રા.ડી.આર.ભંડારીએ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



