વલસાડ લોકસભા બેઠકની મત ગણના એન્જિ. કોલેજમાં યોજાશે

0
12

૧૮૦૦થી વધુ અધિકારી તથા કર્મચારીઓ ફરજ નિભાવશે
વલસાડ, તા.૨૨
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ૨૬-વલસાડ બેઠકની મતગણતરી સરકારી ઇજનેરી કૉલેજ ખાતે તા.૨૩/૫/૨૦૧૯ના રોજ સવારે ૭-૦૦ વાગ્યાથી યોજાશે. ૨૬- વલસાડ બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તાર મુજબ અલગ-અલગ હોલમાં કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી યોજાશે.
બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્યવસ્થા કમરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઅો આરંભી દેવામાં આવી છે. મતગણતરી માટે કુલ ૧૮૦૦ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં સાત વિધાનસભા મતદાર વિસ્તાર મુજબ ૧૪ ટેબલ મળી કુલ ૯૮ ટેબલ અને દરેક ટેબલ ઉપર મતગણતરી માટે ૩ કર્મચારીઅો પ્લસ એક વર્ગ-૪નો કર્મચારી, ઇ.વી.એમ. સીલિંગ માટે વર્ગ-૪ના ૪૯ કર્મીચારીઓને ફરજનિયુક્ત કરાયા છે. મેડીકલ ટીમના અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઇ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. જ્યારે કાયદો વ્યવસ્થા જાળવણી માટે ૬૫૦ જેટલા પોલીસ અધિકારી/કર્મીઓ તેમજ હોમગાર્ડઝની ફરજ સોંપણી કરવામાં આવી છે.
વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્ડની વિગતો જોઇએ તો ૧૭૩-ડાંગના ૩૩૫ બુથ માટે ૨૪ રાઉન્ડ, ૧૭૭-વાંસદાના ૩૩૬ બુથ માટે ૨૪ રાઉન્ડ, ૧૭૮-ધરમપુરના ૨૮૯ બુથ માટે ૨૧ રાઉન્ડ, ૧૭૯-વલસાડના ૨૭૩ બુથ માટે ૨૦ રાઉન્ડ, ૧૮૦-પારડીના ૨૪૩ બુથ માટે ૧૮ રાઉન્ડ, ૧૮૧ કપરાડાના ૩૦૬ બુથ માટે ૨૨ રાઉન્ડ અને ૧૮૨-ઉમરગામના ૨૭૫ બુથ માટે ૨૦ રાઉન્ડમાં મતગણતરી થશે. બેલેટથી થયેલા મતદાનની મતગણતરી માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બેલેટ ગણતરી માટે એ.આરઓ., અધિકારીઓ, મામલતદાર, કારકુન સહિત કુલ ૨૯ અધિકારી/ કર્મચારીઓને ફરજ સોંપણી કરાઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY