ન્યુ દિલ્હી,તા.૨૦
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ આગામી ૧૦ વર્ષોમાં ભારે વરસાદ અને પ્રચંડ પૂરથી થનારા ખતરનાક વિનાશનું અનુમાન લગાવ્યું છે. જેના આંકડા બહુ ચોંકાવનારા છે. એનડીએમએનું અનુમાન છે કે, આગામી ૧૦ વર્ષ દરમિયાન દેશભરમાં પૂરના કારણે ૧૬ હજાર લોકોનાં મોત નીપજશે અને ૪૭ હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ બરબાદ થઈ જશે.
સરકારનું તમામ ધ્યાન આપત્તિના ખતરામાં ઘટાડો કરવા અને બચાવ કામગીરી કરવા પર જ કેન્દ્રીત છે. ભારત પાસે ઘણા આધુનિક સેટેલાઈટ અને પૂર્વ ચેતવણી પ્રણાલી છે, જેની મદદથી હવામાન અને આવનારી આપત્તિનું પૂર્વાનુમાન લગાવી શકાય છે.
જેનાથી આ પ્રકારની કુદરતી હોનારત વખતે લોકોનાં મોતનો આંકડો ઘણો ઘટાડી શકાય છે. આમ છતાં પણ આ તમામ કવાયત કાગળ પર જ સારી લાગે છે, હકીકતમાં જ્યારે કુદરતી હોનારત થાય ત્યારે સરકાર અને તંત્ર મજબૂર બની જાય છે. આ વાતનો તાજા દાખલો કેરળમાં થયેલો ભારે વરસાદ અને વિનાશક પૂર છે.
જ્યારે પણ કોઈ કુદરતી હોનારત થાય ત્યારે એનડીએમએ મોટાભાગે ગાઈડલાઈન્સ જારી કરવા, સેમિનાર અને બેઠકનાં આયોજન સુધી જ સીમિત રહે છે. ગૃહમંત્રાલયે હાલમાં જ દેશના ૬૪૦ જિલ્લામાં કુદરતી હોનારતના ખતરા અંગે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (ડીડીઆર) હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશોના પ્રદર્શનના આધારે એક નેશનલ રિજિલ્યન્સ ઈન્ડેક્સ (એનઆરઆઈ) તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં જાખમનું અનુમાન અને વિશ્લેષણ, કુદરતી હોનારતોના બદલતા જટિલ સ્વરૂપ અને તેનાથી કઈ રીતે બચવું અને લોકોને રાહત આપવી જેવા માપદંડો સામેલ કરવામાં આવ્યા છે.
આ સર્વેક્ષણ અનુસાર આપણે હાલ પ્રારંભિક તબક્કામાં છીએ અને કુદરતી આપત્તિઓ સામે લડવામાં આપણું સ્તર ઘણું પછાત છે. આ બાબતમાં હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે.
એનડીએમએના રિપોર્ટમાં જણાવાયું છે કે, હિમાચલ પ્રદેશને બાદ કરતાં કોઈ પણ રાજ્યએ વિસ્તૃતરૂપે કુદરતી આપત્તિ કે હોનારતનું અનુમાન લગાવ્યું નથી કે આ દિશામાં કોઈ અભ્યાસ પણ કર્યો નથી. આ ઉપરાંત આ પડકારજનક કાર્યમાં કોઈ પ્રોફેશનલ એજન્સીની મદદ પણ લેવામાં આવી નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




