આદિવાસી સમુદાયની લુપ્ત થતી ભાષા-બોલીઓ ચિંતાનો વિષય : રાજ્યપાલ

0
36

ચૌધરી ભાષા વ્યાકરણ ગ્રંથનું વિમોચન કરાયું
વ્યારા, તા.૨૨

ભાષા માનવ સમાજની સંસ્કૃતિ, પરંપરા તેમજ જીવનશૈલીનું ચાલક પરિબળ છે. ભાષા કે બોલી સાંસ્કૃતિક વિરાસતોની જનની છે. માટે જ ભાષા અને બોલીઓ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે વાહકનું કામ કરે છે એમ ગુજરાતના રાજયપાલ ઓ.પી કોહલીએ જણાવ્યું હતું.
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે તા. ૨૧મી, ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિન અને આદિવાસી માતૃભાષા વર્ષ-૨૦૧૯ના ઉપલક્ષમાં ચૌધરી ભાષાના વ્યાકરણ ગ્રંથના વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયપાલ કોહલીએ ભાષા અને બોલીઓના માનવ સંસ્કૃતિના વિકાસમાં યોગદાન અંગે સમજ આપી તેમણે ભારત દેશ અનેક ધર્મ, અનેક જાતિઓ, અનેક ભાષા અને બોલીઓ ધરાવતો વિવિધતાથી ભરેલો દેશ છે એમ જણાવી તેમણે વિવિધતામાં જએકતા દેશની ઓળખ છે એમ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે આદિવાસી સમાજની ભાષાઓ અને બોલીઓ માત્ર ભારતમાં જ નહિં પણ સમગ્ર વિશ્વમાંથી લુપ્ત થતી જાય છે એના માટે સંયુકત રાષ્ટ્ર સંઘ પણ ચિંતિત છે માટે જ સંયુકત રાષ્ટ્ર સંઘે ૨૦૧૯ના વર્ષને વિશ્વ આદિવાસી ભાષા વર્ષ જાહેર કર્યું છે. લુપ્ત થતી આદિવાસીઓની ભાષા અને બોલીઓનું જતન અને સંવર્ધન થાય એ માટે જાગૃતિ લાવવા માટે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ સમુદાયની પોતાની આગવી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે. આજે આદિવાસી સમુદાયના બાળકો જે રીતે સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે એ અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.
તેમણે ચૌધરી ભાષાના વ્યાકરણ ગ્રંથના લેખક ફાધર રેમન્ડ ચૌહાણના લેખનકાર્યની સરાહના કરી હતી. લેખક દ્વારા લિખિત પુસ્તકો અંગે ખ્યાલ આપતા તેમણે જણાવ્યું હતું કે, રેમન્ડ ચૌહાણે ગામીત, ડાંગી અને વસાવી ભાષાના વ્યાકરણ ગ્રંથોની પણ રચના કરી છે. આ ઉપરાંત તેમનું પુસ્તક ગામીત સમાજની દંતકથાનું સાહિત્ય અકાદમી, ભારત દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે તથા આ પુસ્તક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં એમ.એના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે એમ જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને આદિવાસી સમાજની ભાષા અને બોલીઓને ટકાવી રાખવા માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં માજી મંત્રી તુષારભાઇ ચૌધરી, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારીજે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, આદિવાસી સાહિત્ય અકાદમીના રેવાબેન ચૌધરી, ગામીત સમાજના બળવંતભાઇ ગામીત, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, વ્યારા કોલેજના આચાર્ય ડા. ખરવાસિયા, સોનગઢ કોલેજના આચાર્ય ડા. રાજેશભાઇ પટેલ, પ્રાધ્યાપકો, શિક્ષકો, સમાજના અગ્રણીઓ, શાળાના બાળકોઅને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY