આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં ચૂંટણી સંલગ્ન પોસ્ટરો, પત્રિકાઓ વિગેરે સાહિત્યના પ્રકાશન અને છાપકામ ઉપર કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર આગામી તા.૩૧/પ/ર૦૧૯ સુધી ડાંગ જિલ્લામાં ચૂંટણી અંગેના પોસ્ટરો, પત્રિકાઓ સહિતના સાહિત્યના છાપકામ અને પ્રકાશન ઉપર ધી રીપ્રેઝન્ટેશન ઑફ ધી પીપલ્સ એક્ટ-૧૯૫૧ની કલમ-૧૨૭(એ), તથા ધી પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ-૧૮૬૭ની કલમ-૪(૧), પ, ૮(બી), અને ૧૩ મુજબ કેટલાક નિયંત્રણો મુકાયા છે. જે મુજબ (૧) કોઇપણ વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક, અને પ્રકાશકના નામ/સરનામા ન છાપેલા હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં, અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહીં. (ર) કોઇપણ વ્યક્તિ ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં, કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે (ક) તેના પ્રકાશકની સહીવાળા, અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ, પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, અને (ખ) લખાણ છપાયા પછી મુદ્રક ત્રણ દિવસની અંદર લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ (૧) રાજ્યના પાટનગરમાં છાપવામાં આવ્યુ હોય ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચને, અને (ર) બીજે પ્રસંગે તે જે જિલ્લામાં છપાવવામાં આવ્યુ હોય તે જિલ્લાના મેજિસ્ટ્રેટે આ હેતુ માટે નિયુક્ત કરેલા નોડલ ઓફિસરને આપી હોય. (૩) તેઓએ છાપેલા કે મુદ્રિત કરેલા ચૂંટણી અંગેના કોઇપણ ચોપાનિયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં અને પ્રકાશકના નામ/સરનામા સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે. (૪) મુદ્રિત સામગ્રીની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલા એકરારપત્ર છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર, જિલ્લા ચૂંટણી અધિકારી, આહવા-ડાંગ દ્વારા આ કામ માટે નિયુક્ત કરવામાં આવેલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે. આવી મુદ્રિત સામગ્રી, એકરાર પત્ર, જોડાણ-ક તથા જોડાણ-ખ મુજબના નિયત કરેલા પ્રફોર્મામાં જરૂરી વિગતો છાપકામ કર્યાના ૩ દિવસની અંદર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને ઉદૃેશીને મોકલી આપવાના રહેશે. (પ) ચૂંટણી અંગેના કોઇપણ ચોપાનિયા, ભીંતપત્રોમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી, કે વિરોધી ઉમેદવારના ચારિત્ર્ય ખંડન જેવી કોઇ ગેરકાનુની બાબતોનો સમાવેશ કરી શકાશે નહીં. આ, હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે એમ પણ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



