શ્રીનગર,તા.૨૧
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા જવાનોની સાથે થયેલી અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ અથડામણ બડગામના જિનપંચાલ, ચારી શરીફ વિસ્તારમાં થઇ છે. આ અથડામણ કાશ્મીરમાં થઇ રહેલી ભારે હિમવર્ષાની વચ્ચે થઇ છે.
ઠાર થયેલા આતંકીઓની ઓળખ હજી સુધી થઇ શકી નથી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા જવાનોને આતંકવાદીઓ છૂપાયા હોવાના સૂચના મળ્યા બાદ બડગામ જિલ્લાના હપતનાર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, આતંકવાદીઓ તરફથી સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ અભિયાન અથડામણમાં ફેરવાઇ ગયું હતું. ત્યારબાદ સુરક્ષા જવાનોએ આતંકીઓને ઘેરી લીધા અને બન્ને તરફથી ફાયરિંગ શરૂ થયું હતું. અત્યાર સુધી ૩ આતંકીઓ ઠાર થયાના અહેવાલ છે. ભારતીય સુરક્ષા જવાનોને હાલ કોઇ પણ પ્રકારના નુકસાન ન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સતત થઇ રહેલી હિમવર્ષાની વચ્ચે સેના અને સુરક્ષા જવાનોએ આ એકાઉન્ટરને અંજામ આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



