વડોદરા સંસદિય બેઠકના ચૂંટણી અધિકારી સહ જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે ઉમેદવારી પત્રો ભરવા અંગે આપી વિગતવાર જાણકારી

0
26

વડોદરા તા. ૨૭ માર્ચ, ૨૦૧૯ (બુધવાર)      નિર્ધારીત જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ગુરુવાર તા.૨૮/૦૩/૨૦૧૯થી વડોદરા સંસદિય બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો આપવા અને ભરેલા ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી નિર્વાચન અધિકારી દ્વારા જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા સ્થળોએ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૪થી એપ્રિલ, ૨૦૧૯ સુધી જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી થવાની છે.

આ સંદર્ભમાં વડોદરા સંસદિય બેઠકના નિર્વાચન અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ આજે માધ્યમોને ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવા, રીવાઇઝડ ફોર્મમાં નમૂના ૨૬નું સોગંદનામુ રજૂ કરવા, ઉમેદવારે લેવાના શપથ પ્રતિજ્ઞા, કાયદો-વ્યવસ્થા વિષયક જોગવાઇઓ, ખર્ચ નિયંત્રણની જોગવાઇઓ તેમજ ઉમેદવાર દ્વારા ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ અને મતગણતરી એજન્ટ નિમવા અંગેની જોગવાઇઓની જાણકારી આપી હતી.

તેમણે ઉમેદવારોએ તેમની સામેના હાલમાં ચાલુ પડતર ક્રિમીનલ કેસો, ભૂતકાળમાં સજા થઇ હોય તેવા કેસોની જાણકારી ઉમેદવારી પત્રકમાં આપવાની, સંબંધિત રાજકીય પક્ષને તેની જાણકારી આપવા અને પક્ષની વેબસાઇટ પર તેની પ્રસિદ્ધિ કરવા અને ચૂંટણી પ્રચાર બંધ થવાની સમયમર્યાદા સુધીમાં ત્રણવાર સ્વખર્ચે તેની મુદ્રિત/વિજાણુ માધ્યમોમાં પ્રસિદ્ધિ કરવા અને આ ખર્ચની ચૂંટણી ખર્ચમાં સમાવેશની નવીન જોગવાઇઓની જાણકારી આપી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરા સંસદિય બેઠકના નિર્વાચન અધિકારી મતી શાલિની અગ્રવાલે ઉમેદવારો માટે ચૂંટણી સંબંધિત માહિતી-માર્ગદર્શન આપ્યું હતુ.

મતી અગ્રવાલે જણાવ્યું કે, ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે નમૂના નં.૨૬માં સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. અધૂરી વિગતોવાળી એફિડેવિટના પરિણામે ઉમેદવારીપત્ર રદ કરવામાં આવશે. ઉમેદવારે એ-૪ સાઇઝમાં કાગળો રજૂ કરવા તેમજ તમામ ખાનામાં સુસંગત માહિતી ભરવી જરૂરી છે. ઉમેદવારે સોગંદનામાના દરેક પાના પર સહી કરી સક્ષમ ઓથોરિટી પાસે તેની સહી અને સિક્કા રજૂ કરવાના રહેશે. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અથવા નોટરી પબ્લિક અથવા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિયુક્ત શપથ આયુક્ત (કમિશનર) સમક્ષ સોગંધ લીધેલા હોવા જોઇએ.

જિલ્લા ચૂંટણી અધિકારી મતી અગ્રવાલે ઉમેદવારે લેવાના શપથ-પ્રતિજ્ઞા અંગે વિગતો આપતા કહ્યું કે, ઉમેદવાર ભારત બહાર હોય તો ઉમેદવારે જે-તે દેશમાં હોય તે દેશ ખાતેના ભારતના રાજનાયિક અથવા કોન્સ્યુલર પ્રતિનિધિ અથવા આવા કોઇ રાજનાયિક અથવા કોન્સ્યુલર પ્રતિનિધિએ અધિકૃત કરેલ વ્યક્તિ સમક્ષ શપથ-પ્રતિજ્ઞા લેવી. ઉમેદવાર જેલમાં હોય તો જેલના અધિક્ષક સમક્ષ શપથ-પ્રતિજ્ઞા લેવી.

કાયદો અને વ્યવસ્થા અંગે વિગત આપતા તેમણે ઉમેર્યુ કે, ઉમેદવારે ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે રેલીના સ્વરૂપે ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટર હદ મર્યાદામાં દાખલ થવુ નહીં. ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરની હદમાં ત્રણ વાહનો અને ચૂંટણી અધિકારીના ખંડમાં ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિઓથી વધુ સંખ્યામાં આવવું નહિ. ઉમેદવારે સભા સર્કલ અને પ્રચાર વાહન માટે ચૂંટણી અધિકારીની મંજૂરી મેળવવી. ચૂંટણી માટે પ્રાણી-પક્ષીઓનો ઉપયોગ કરી શકાશે નહિ. સ્ટાર પ્રચારકોની જાણ કરવાની રહેશે. વધુમાં ચૂંટણીતંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવામાં આવે છે. ચૂંટણી પ્રચાર અર્થે રેલી-સભા માટે ઓનલાઇન અરજી અને લેખિત અરજીમાં જરૂરી આધારો સાથે પણ ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કરવાના એક દિવસ પૂર્વે રાષ્ટ્રીયકૃત્ત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ચૂંટણી ખર્ચના હિસાબો માટે અલગથી ખાતું ખોલાવવું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારે વધુમાં વધુ રૂા. ૨૦ હજાર સુધીનું પરચૂરણ ચૂકવણું (કેઝયુઅલ પેમેન્ટ) રોકડથી કરવું તેમજ બાકીના તમામ કિસ્સામાં ચેકથી પેમેન્ટ કરવાનું રહેશે. ઉમેદવારે તમામ વ્યવહારો બેંક મારફત કરવા જરૂરી છે. ઉમેદવારે ચૂંટણી દરમિયાન રૂા. ૭૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવો. ખર્ચના હિસાબો રજૂ કરવાની માર્ગદર્શિકાઓ અનુસરવાની રહે છે.

ઉમેદવાર મતદાનના દિવસ માટે વધુમાં વધુ ત્રણ મતદાન એજન્ટની તેમજ ટેબલદીઠ એક મતગણતરી એજન્ટની નિમણૂંક કરી શકશે. નિમણૂંક અંગેની માર્ગદર્શિકાઓ ઉમેદવારે અનુસરવાની રહેશે.         

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY