વડોદરા તા. ૨૭ માર્ચ, ૨૦૧૯ (બુધવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કરવા અંગે ચૂંટણીતંત્ર દ્વારા નિયત કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસરવાની રહેશે.
ઉમેદવારે ઉમેદવારી નોંધાવવા અંગેનું નિયત ફોર્મ નમૂનો-૨ ચૂંટણી શાખામાંથી મેળવવું. ઉમેદવારી પત્રો તા.૨૮ માર્ચ થી તા. ૪ એપ્રિલ-૨૦૧૯ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવારે ૧૧ થી બપોરે ૩ કલાક દરમિયાન રજૂ કરવાના રહેશે. ઉમેદવારે ૨૫ વર્ષ પૂર્ણ કર્યાના આધાર-પુરાવાઓ ઉમેદવારીપત્ર સાથે જોડવા. ઉમેદવારી ફોર્મ સાથે ઉમેદવારે તાજેતરમાં(છેલ્લા ત્રણ માસમાં) ખેંચાવેલા પાંચ ફોટોગ્રાફ્સ જોડવાના રહેશે. ફોટો ત્રણ માસની અંદર પડાવેલ છે તે મતલબનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં રજૂ કરવું એક જ મતવિસ્તારમાં કોઇપણ ઉમેદવારે વધુમાં વધુ ચાર ઉમેદવારીપત્રો ભરી શકશે. ઉમેદવારે ઉમેદવારી ફોર્મ માટે રૂ. ૨૫ હજાર અને અનામત ઉમેદવારના કિસ્સામાં રૂ. ૧૨,૫૦૦ ડિપોઝીટ પેટે ભરવાના રહેશે.
લોકસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી તથા પારદર્શી રીતે યોજાય તે માટે ચૂંટણીતંત્ર સતત કાર્યશીલ છે. ઉમેદવારોએ ચૂંટણીતંત્ર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહે છે. ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નિયત જવાબદારીઓ નિભાવી ચૂંટણીપ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાની છે. ઉમેદવારોએ અનુસરવાની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવું. ઉમેદવારે નમૂના-એ તથા નમૂના-બીમાં અસલ સહી કરવી, રબ્બર સ્ટેમ્પ કે અન્ય રીતે કરેલ સહીવાળા કે ઝેરોક્ષ કે ફેક્સ દ્વારા મોકલાવેલ નિયત નમૂનાના ફોર્મ્સ સ્વીકાર્ય રહેશે નહિ જેની ઉમેદવારીએ ખાસ નોંધ લેવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




