સબસિડીવાળો ગેસ સિલિન્ડર બે રૂપિયા મોંઘો થયો
ન્યુ દિલ્હી,તા.૧
એક તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પૈસામાં ઘટાડો કરી આમ જનતાની મજાક કરી રહી છે ત્યારે બીજી તરફ હવે એલપીજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૪૮ રૂપિયાનો તેમજ સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવતાં મોંઘવારીનો માર સહન કરતી જનતા પર આ એક વધારાનો બોજા આવી ગયો છે.
હાલ દેશમાં દરેક ૧૦૦ પરિવારમાંથી ૮૧ પરિવાર પાસે એલપીજી કનેકશન છે. ત્યારે એલપીજીના ભાવમાં આવો વધારો થતાં હવે દિલ્હીમાં રહેતા લોકોને સબસિડીવાળા સિલિન્ડર માટે ૪૯૩.૫૫ રૂપિયા અને સબસિડી વિનાના સિલિન્ડરના ૬૯૮.૫૦ રૂપિયા ચુકવવા પડશે. જ્યારે આવા સિલિન્ડરના કોલકાતામાં ૪૯૬.૬૫, મુંબઈમાં ૪૯૧.૩૧, ચેન્નઈમાં ૪૮૧.૮૪ થઈ ગયા છે. આમ મોંઘવારીનો માર સહન કરતી જનતા પર ગેસના ભાવ વધારારૂપી વધારાનો બોજા આવી ગયો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોતાના વિભાગનું રિપોર્ટકાર્ડ રજૂ કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હોવાથી ભારતમાં પણ ભાવ વધ્યા છે. દેશના અર્થતંત્ર પર તેની કોઈ વિપરીત અસર નથી પડી. જનતાને મુશ્કેલી ના પડે તે હેતુસર સરકાર સ્થાયી ઉકેલ શોધી રહી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



